________________
બ્રહ્મચર્યનું સર્વોત્કૃષ્ટપણું
૧૨૭ આવા અદ્ભુત અનુપમ બ્રહ્મચર્યનો મહિમા જેટલો ગાઈએ તેટલો ઓછો છે.
આત્મા શક્તિથી-સત્તાથી અનંત વીર્યનો સ્વામી છે. પણ આત્માનું આ શક્તિરૂપ અનંત વીર્ય વ્યક્ત કરવા માટે બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. કારણકે બ્રહ્મચર્યથી તન-મનની શક્તિનો સંચય થાય છે, તન-મનની નીરોગિતા સાંપડે છે, અને આત્મસાધન માટે તન-મનનું અનુકૂળપણું ઉપજે છે. “નાયમાત્મા નદીનેન ન " આ આત્મા બળહીનને પ્રાપ્ત થાય એમ નથી, એ સૂત્ર અત્રે સ્મરણમાં રાખવા યોગ્ય છે. આત્મબલ વિના આત્મા સાંપડતો નથી. આત્મબલનો આધાર મનોબલ પર છે, મનોબલનો આધાર શરીરબલ પર છે, ને શરીરબલનો આધાર બ્રહ્મચર્ય પર છે. કારણકે શુક્ર એ શરીરનો રાજા હોઈ શરીરના સત્ત્વનું સત્ત્વ છે, અને તે શરીરના સર્વ યંત્રોને બળ-વેગ આપનારી શકિત છે. તે જો અધોરેતા બની સંક્ષય પામે, તો અનુક્રમે શરીરયંત્રના સર્વ ચક્રો શિથિલ ને નિર્બળ બની નિસ્તેજ થાય છે, અને મને પણ ઉત્તરોત્તર અદઢ અને અસ્થિર થઈ ચેતનવીર્ય પણ મંદ બને છે. પરંતુ તે જો ઊર્ધ્વરેતા બની, શરીરમાં વ્યાપક થઈ પચીને સંચય પામે, તો શરીરના અંગેઅંગ પુષ્ટ થઈ ઓજસથી દીપે છે, ને મન પણ સુદઢ ને સ્થિર થઈ આત્મવીર્ય વધે છે.
આમ આત્માની સત્તાગત અનંત શક્તિ વ્યક્ત કરવા અપૂર્વ પુરુષાર્થની ફુરણાર્થે બ્રહ્મચર્ય એ શ્રેષ્ઠ ઉપાય છે. જે જે પરમ પુરુષો અનંત શક્તિમાન પ્રગટ પરમાત્મસ્વરૂપને પામ્યા છે, તે દ્રવ્યથી અને ભાવથી આ બ્રહ્મચર્યના સેવન થકી જ; અને બીજા જીવો પણ જે તેમ કરશે, તે પણ તેવા અનંતવીર્ય આત્મસ્વરૂપને પામશે. (દોહરા) બ્રહ્મચર્યથી નિત વધે, તન મન ચેતન વીર્ય;
બ્રહ્મ સ્વરૂપમાં વિચરતો, પ્રગટે અનંતવીર્ય.