________________
નિરભિમાનપણું.
૧૨૩
शिक्षापाठ ४८ : निरभिमानपणुं આત્મામાં આત્મબુદ્ધિરૂપ પારમાર્થિક સરલપણું જેને ઉપજ્યું છે, તે સરલાત્મા પરભાવમાં અહંબુદ્ધિરૂપ અભિમાન કેમ ધરે? આ દેહ તે હું નથી એમ દેહ સંબંધી અહંકાર પણ જેને નિવૃત્ત થયો છે, તે દેહાશ્રિત અન્ય ભાવનું અભિમાન કેમ કરે? કારણકે “અહંકાર તો ઝેર ઝેર ને ઝેર જ છે,’ એમ જેણે પ્રગટ જાણ્યું છે એવા તે ભાવે છે કે–અભિમાન એ આત્માનો મોટામાં મોટો શત્રુ છે. અભિમાન એ આત્માની પ્રગતિને અવરોધનાર મોટામાં મોટો કોટ ને મોટામાં મોટો પ્રતિબંધ છે. મહાતપસ્વી બાહુબલિજીને કૈવલ્યદશા પામતાં અટકાવનાર આ અભિમાન જ હતું; આ અભિમાન ગજેન્દ્રથી નીચે ઉતર્યા કે તત્કાણ જ કેવળજ્ઞાન પામ્યા. “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જિમ શ્વાન તાણે,”—એવા પરભાવના કર્તુત્વઅહંકારરૂપ અજ્ઞાનથી જ આ જીવ ચતુર્ગતિમાં પરિભ્રમણદુ:ખ પામે છે. આ મારો આત્મા જે નિજ ભાન વિના અનંત કાળથી આથડડ્યો, તેનું કારણ સાચા સંત ગુરુને મેં સેવ્યા ન્હોતા અને મારું અભિમાન મૂક્યું ન્હોતું એ છે. ‘સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન.' તો હવે પણ મિથ્યાભિમાન રાખી જે હું વિનયપૂર્વક સંતચરણ નહિ એવું, તો હજુ પણ હારે તે ને તે જ ભવદુ:ખ સહેવાનો વારો આવશે. માટે હું અભિમાન છોડી પરમ વિનયમાર્ગનું જ અનુસરણ કરૂં. કારણકે દીનતા-લઘુતા યુકત વિનય વિના ‘વિનય' અર્થાત્ આત્મવિદ્યા પ્રત્યે આત્માનું વિનયન-દોરવણી હોતી નથી; વિનયથી જ વિનયની-આત્મવિદ્યાની પ્રાપ્તિ હોય છે. એવી વિનયાન્વત ભાવનાથી નમ્ર બનેલા આ સંતજનો અભિમાનનો હાલાહલ ઝેરની જેમ ત્યાગ કરે છે. ફળથી તાડ ભલે અક્કડ બને, પણ આમ્ર તો નમ્ર બને છે; તેમ કોઈ પ્રકારની સફળતાથી અભિમાની ભલે અક્કડ બને, પણ સંતજનો તો ઉલટા વિનમ્ર બને છે. વર્ષાઋતુમાં જલલાભથી નદી ભલે ઉછાળા મારે, પણ સાગર તો ગંભીરપણું જ ધારે; તેમ પરવસ્તુના તુચ્છ લાભથી છીછરા પામર જનો ભલે ગર્વથી છલકાય, પણ સાગરવરગંભીરા સંતજનો ન મલકાય.