________________
મૌન
૧૦૫
- એવા સ્વસ્વરૂપને જે મૂકતો નથી અને સર્વથા સર્વ જે જાણે છે, તે
સ્વસંવેદ્ય એવો હું છું. વળી જે હું બોધવાને ઇચ્છું છું કે હું નથી, અને જે હું છું તે અન્યને ગ્રાહ્ય નથી, તો હું અન્યને બોધું શું?” (સમાધિશતક) આમ જેણે બહિર્વાચાનો ત્યાગ કર્યો છે એવો મુનિ, હું સુખી, હું દુખી, હું રાગી, હું દ્વેષી, એમ અંતમાં બોલાતી વિકલ્પઉત્થાનરૂપ અંતવાચાનો પણ ત્યાગ કરવા પ્રવૃત્ત થાય છે; અને સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૂંગાપણારૂપ પરમાર્થમૌનનો આશ્રય કરતાં, રાગાદિ વિકલ્પના વિસર્જનાર્થે આત્મભાવના ભાવે છે કે-“બોધાત્મા એવા મને તત્વથી પ્રગટપણે દેખતાં મારા રાગાદિ અત્રે જ ક્ષીણ થાય છે. મને નહિ પેખતો આ લોક મારો શત્રુ નથી કે મિત્ર નથી, મને પ્રગટ પેખતો આ લોક મારો શત્રુ નથી કે મિત્ર નથી.” માટે રાગદ્વેષાદિ વિકલ્પકલ્લોલથી મારા નિર્મલ મનોજલને હું શા માટે ડોળું? ક્વચિત આ જગનું શું? એવો વિકલ્પ ઊઠે તો તે ચિંતવે છે કે-આ જગત છે, તે દેહમાં આત્મદષ્ટિવાળાને વિશ્વાસરૂપ ને રમ લાગે, પણ આત્મામાં જ આત્મદષ્ટિવંતને તો તેમાં વિશ્વાસ ક્યાં? ને રતિ ક્યાં?” માટે આ જગતની મને ચિંતા શી?
આમ અંતર્જલ્પરૂપ સમસ્ત કલ્પનાજાલને ફગાવી દઈ જે પરમાર્થમૌનને ભજે છે, તે નિર્વિકલ્પ મુનિ જ આત્મામાં સમાઈ જવારૂપ પરમ આત્મસમાધિને પામે છે. અને આમ આત્મભાવનાના દઢ અભ્યાસથી બોધિ-સમાધિમાં સ્થિર થયેલો જે સ્થવિર” ભાવિતાત્મા જ્ઞાની વીતરાગ મુનીશ્વર હોય છે, તે જ પછી નિષ્કારણ કરુણાથી જગજીવોના કલ્યાણાર્થે પ્રગટ સન્માર્ગનો યથાર્થ ઉપદેશ આપવા સમર્થ હોય છે. સકલ પરભાવ-વિભાવ પ્રત્યે મૌનપણું બોધતી અપૂર્વ વાણી પ્રકાશતા આવા ગીતાર્થ જ્ઞાનીની આ અનુભવવાણી પણ પરમાર્થથી મૌનરૂપ જ છે. (દોહરા) મન-વચ-કાયા સંયમ, વિકલ્પ-જલ્પ જ ત્યાજ;
પરભાવ વિભાવે મુંગા, મૌન જ્ઞાની મુનિરાજ.