________________
પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા
ધર્મ આચરવા ઇચ્છે છે; અને પછી તેવા ઉલ્લાસભાવની સ્ફુરણાથી દૃઢપણે સ્વશક્તિનો વિચાર કરી તે દેશધર્મના ગ્રહણમાં સમ્યક્ પ્રકારે પ્રવર્તે છે.
૧૦૦
આ દેશવિરતિ ધર્મ નું ગ્રહણ સમ્યગ્દર્શન હોય તો જ ન્યાય છે, નહિ તો નહિ; કારણ કે ઉખર ક્ષેત્રમાં નાંખેલા ધાન્યની જેમ, મિથ્યાત્વવાસિત જીવમાં વ્રતો કદી પણ ઊગી નીકળતા નથી. માટે દેશધર્મમાં સમ્યગ્દર્શન સૌથી પ્રથમ હોવું જોઈએ. પ્રશમાદિ ચિન્હથી વ્યક્ત થતું રત્નદીપક સમું સમ્યગ્દર્શન જેના અંતમાં પ્રગટયું છે, તે સમ્યગ્દષ્ટ પુરુષ જ દ્રવ્યથી ને ભાવથી આ દેશિવરતિ ધર્મ અંગીકાર કરવાનો યોગ્ય અધિકારી છે. આમ જેના મૂલ આધારભૂત સમ્યક્ત્વ છે, એવા સમ્યક્ત્વમૂલ બાર વ્રત એ જ દેશધર્મ છે, અર્થાત્ દેશથી-અંશથી પણ પરભાવ વિભાવથી વિરામ પામી આત્માને સ્વસ્વભાવરૂપ ધર્મમાં આણવાનો અભ્યાસ છે. અહિંસાદિ પાંચ અણુવ્રત, દિવ્રત આદિ ત્રણ ગુણવ્રત, અને સામાયિકાદિ ચાર શિક્ષાવ્રત, એમ સમ્યક્ત્વમૂલ દ્વાદશ વ્રતનું વ્યવહારથી અને નિશ્ચયથી સંક્ષેપ સ્વરૂપ આ પ્રકારે :
પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત: સ્થૂલ પ્રાણાતિપાતથી હિંસાથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ પ્રા. વિ. જેમ બને તેમ રાગાદિવડે થતી આત્મહિંસાથી વિરમવું તે નિશ્ચયથી પ્રા. વિ. ગૃહસ્થ ત્રસ જીવની હિંસાનો તો અવશ્ય ત્યાગ કરે, અને અનિવાર્ય એવી સ્થાવરની હિંસા પણ યતના રાખી જેમ બને તેમ ઓછી થાય એવો લક્ષ રાખે; અને તેમાં પણ સંકલ્પજન્ય તથા નિષ્પ્રયોજન હિંસાનો જરૂર ત્યાગ કરે. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત: કન્યાલીક, ગવાલીક, ભૂમ્યલીક, થાપણ ઓળવવી, ખોટી સાક્ષી એ વગેરે સ્થૂલ મૃષાવાદથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ મૃ. વિ. નિશ્ચયથી તો પુદ્ગલાદિ પરવસ્તુને પોતાની કહેવી, સિદ્ધાંતના ખોટા અર્થ કહેવા તે ભાવમૃષાવાદથી વિરમવું. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત: સ્થૂલ પરદ્રવ્યહરણથી-ચોરીથી વિરમવું તે વ્યવહારથી સ્થૂલ અ. વિ.