________________
નિયમિતપણું ભૌતિકશાસ્ત્ર લ્યો, ખગોળ લ્યો, કે ભૂગોળ લ્યો, શરીરયંત્રની રચના લ્યો કે ઇંદ્રિયવિજ્ઞાન લ્યો, જ્યાં જુઓ ત્યાં સર્વ સ્થળે પ્રતિનિયત નિયમોને અનુસરી પ્રવૃતિ થયા કરે છે. આવી લોકવ્યવસ્થા ન હોત તો સર્વત્ર અનવસ્થા ને અંધાધુંધી પ્રવર્તી રહેત. આમ આખી કુદરત ડગલે ને પગલે નિયમિતપણાનો બોધ કરે છે. પ્રકૃતિ જાણે પ્રતિક્ષણે પોકારીને કહે છે–અહો સુજ્ઞ મનુષ્યો! નિયમિતતા એ મારું જીવન છે. તમે વિજ્ઞાનદ્વારા તે ખોળી કાઢો છો, તો તે નિયમિતપણાને તમે કાં અનુસરતા નથી?
યુરોપવાસીઓનો નિયમિતતા ગુણ પ્રશંસવા તથા અનુકરણ કરવા યોગ્ય છે. ‘કામ ટાણે કામ ને આરામ ટાણે આરામ'- આ તેઓના જીવનનું મુખ્ય સૂત્ર છે. તેઓ પોતાનો નિત્યક્રમ નિયમિતપણે ગોઠવે છે અને ઘડિયાળના ચક્ર જેવી ચોક્કસાઈથી તેને અનુસરે છે. જેથી તેમના બાહ્ય જીવનમાં એક પ્રકારનો ઉલ્લાસ, ર્તિ ને આનંદ દષ્ટિગોચર થાય છે. ભારવાસીઓમાં પ્રાય: અનિયમિતપણાને લીધે એથી ઊલટી જ સ્થિતિ દેખાય છે.
આ બધું ગમે તેમ હો, પણ જેમ વ્યવહાર જીવનમાં તેમ પરમાર્થ જીવનમાં પણ નિયમિતતાની આવશ્યકતા નિર્વિવાદ છે. વિચક્ષણ મુમુક્ષ પુરુષ તો પ્રતિક્ષણે એમ વિચારે છે કે-આ અમૂલ્ય મનુષ્ય દેહ ચિન્તામણિરત્નથી પણ અધિક છે, એની ક્ષણ પણ મારે પ્રમાદમાં નિરર્થક જવા દેવી યોગ્ય નથી. માટે મારે મારો જીવનક્રમ આત્માર્થનું સાધન થાય એમ એવો નિયમિતપણે યોજવો જોઈએ કે એની એક પળ પણ એળે ન જાય એમ વિચારીને તે પોતપોતાના સંજોગ અનુસાર પોતાની દિનચર્યા આદિનો કમ નિયમિતપણે ગોઠવે છે અને તેને અનુસરવાની ટેવ પાડે છે. જેમકે-તે પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તમાં જ વહેલો ઊઠે છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રણામ કરી, પ્રાત:સ્મરણીય પુણ્યશ્લોક મહાત્માઓના નામ ગુણ ને પવિત્ર ચરિત્રનું સ્મરણ કરી, તેમની નિષ્કામ ભક્તિમાં ચિત્તનું અનુસંધાન કરે છે. ‘હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરૂં?' એના વિચાર વિવેકપૂર્વક શાંત