________________
અધમાધમ અધિકો પતિત, સકળ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શુંય? ૧૯
જીવ પોતાના દોષો વિચારે, અભિમાન મૂકે તો પુરુષાર્થ કરી શકે. રાગદ્વેષ અને અજ્ઞાનને વશ સમયે સમયે અનંત કર્મ બાંધી રહ્યો છે. જગતમાં જે દોષો દેખાય છે તે બધાય મેં પરિભ્રમણ કરતાં કર્યા છે અને હજુ નહીં ચેતાય તો અનંત પરિભ્રમણ કરવું પડશે. એક આત્મા મારો છે. છતાં પરમાં અહત્વ મમત્વ થઈ ગયું છે અને ગાઢ કર્મને લીધે આત્માની અનંત શક્તિઓ અવરાઈ ગઈ છે. મારે દોષે મને બંધન છે. તે સર્વ કર્મ બંધનનો કર્તા હું જ અનંત કાળથી અનંત દોષોનું ઘર બની રહ્યો છું. દોષો કરવા અને તેનું અભિમાન કરવું એ અધમાધમનું લક્ષણ છે. તેમ હું મારું સ્વરૂપ ભૂલીને કર્મરૂપી દોષથી પ્રાપ્ત થયેલ કુળ, રૂપ, બળ, વિદ્યા, ધન, સંપત્તિ વગેરે બાહ્ય સામગ્રીમાં અભિમાન કર્યા કરું છું. ઉપદેશ સાંભળવા છતાં પણ હું મારા દોષો છોડતો નથી માટે આખા જગતમાં મારા જેવો કોઈ અધમ – પાપી નથી.
૬૨