________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
અને બંને સખીયો પરસ્પર વાતો કરે છે કે આપણે પૂર્વભવમાં જિનેશ્વર સન્મુખ દીપકપૂજા ભાવથી કરી તેનાં પુણ્યપ્રભાવથી ઉત્તમ દેવવિમાનનું સુખ પામ્યા છીએ. (૨)
હે સખી ! આપણે બંને પૂર્વભવમાં મેઘપુરનગરે રહેતા હતાં ત્યાં પણ સાહેલી રૂપે સજોડે જિનભવને સદા દીપકપૂજા મનનાં કોડથી કરતા હતાં. (૩)
તે દીપકપૂજાનાં પુણ્ય પ્રભાવથી આપણે બંને દેવાંગના બની અને દેવલોકનાં દિવ્યસુખની સંપદા હર્ષિતચિત્તે પ્રાપ્ત કરી છે. એમ બંને વિચારી રહ્યા છે. (૪)
જિનોક્ત ધર્મની ખરેખર બલિહારી છે કે જે જિનધર્મને શરણે રહે છે તે ઈહલોક પરલોક સુખ-સંપદા અને અનુક્રમે શિવ-સંપદાને પામે છે. વળી જિનબિંબની પણ બલિહારી છે જેમનાં દર્શન માત્રથી પાપરૂપી પતંગ પ્રજળી ઉઠે છે. તો પૂજાથી શું પ્રાપ્ત ન થાય ? થાય જ. મનવાંછિત ફલ પ્રાપ્ત કરીને જીવ અવિલંબપણે પોતાની આશા ફલીભૂત બનાવે છે.
આ બંને દેવીઓ દેવતાઈ દિવ્ય ભોગોને પામી છે. છતાં ત્યાં રહ્યાં પણ ‘માનવ જન્મ’ને મહાન ગણે છે. તે કહે છે ધન્ય છે માનવલોકને અને ધન્ય છે માનવ જન્મને કે જ્યાં ધર્મની સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે અને તે ધર્મની સાધના દ્વારા ભવનો પાર પામી શકાય છે.
ખરેખર તેવાજ માનવ જન્મની કિંમત છે કે જે માનવ જન્મ ધર્મસામગ્રીથી યુક્ત હોય. જો માનવ જન્મ મલે પણ ધર્મ શબ્દ પણ સાંભળવા ન મલે તો તેવા માનવ જન્મથી શું ? ધર્મ વિહોણો માનવજન્મ પૃથ્વી પર ભાર કરનારો થાય છે. માટે ધર્મસંપત્તિથી યુક્ત એવા માનવજન્મની જ કિંમત જ્ઞાની પુરુષો કરી રહ્યા છે.
વળી ધન્ય છે માનવલોકને કે જ્યાં તીર્થંકરો પણ જન્મ પામે છે. નરક્ષેત્રમાં જ તીર્થંકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો આદિ ત્રેસઠ શલાકા પુરુષો જન્મ પામે છે માટે માનવલોક ધન્યતાને પાત્ર છે અને મનુષ્ય જ જન્મ મરણનાં દુઃખથી મુક્ત બની શકે છે. કારણ માનવ પાસે તપ-ત્યાગ-ધ્યાન-વ્રત પચ્ચક્ખાણ આદિ કરવાની તાકાત રહેલી છે. (૭)
વળી તે દેવાંગનાઓ દિલમાં વારંવાર વિચારે છે. ચિંતવન કરે છે અને ભૂપીઠ (મનુષ્ય ક્ષેત્ર)ની વારંવાર પ્રશંસા કરે છે કે તે પૃથ્વીતલને ધન્ય છે કે જ્યાં શાસનનાં શણગાર એવા અણગારો વિચરી રહ્યા છે. (૮)
હવે બંને દેવાંગનાઓ પૂર્વના પ્રેમે કરીને મનમાં આનંદ પામે છે અને બંને દેવાંગના મલીને એક ઉત્તમ વિચારણા કરે છે. (૯)
આપણે બંને દૈવીશક્તિથી ભૂમંડલને વિષે રહેલાં મેઘપુરનગરમાં એક જિનમંદિર બનાવીએ. એ પ્રમાણે વિચારીને કે શ્રોતાઓ પ્રેમથી સાંભળજો તે બંને દેવાંગના મનુષ્ય લોકમાં આવી એમ પીસ્તાલીસમી ઢાળમાં ઉદયરત્નજી મહારાજ કહી રહ્યા છે. (૧૦, ૧૧)
૨૪૭૦