________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
તે સાંભળીને અવનીપતિ કહેવા લાગ્યો કે, હે ભદ્રે ! જે તમને જોઈએ તે તમે મુખથી માંગો. હું આપવા તૈયાર છું. તન-ધન-જીવન અને રાજ્ય જે જોઈએ તે હું તમને આપવા તૈયાર છું. (૪)
તે સાંભળીને રાણી હર્ષ સાથે કહેવા લાગી કે, હે રાજન્ ! મને પાંચ દિવસનું રાજ્ય આપો ! એ પ્રમાણે સુંદરીના વચન સાંભળી રાજાએ ‘રતિસુંદરી’ રાણીને રાજ્ય આપ્યું. (૫) રાજાની મહેરબાની પામીને રાણી રાજાને પાયે નમીને હવે રાણી પોતાના મન ચિંતવ્યા કામ કરે છે અને હવે હર્ષપૂર્વક રાજ્ય કરવા લાગી. (૬)
હવે જો જો કે રતિસુંદરી શોક્ય પર કેવો ખાર રાખે છે. અનર્થ પાપ કર્મથી તે પાછી ફરી નહિ. ખરેખર શોક્ય સમાન કોઈ બીજું દુઃખ નથી. એક શૂળી અને બીજી શોક્ય. બે બરાબર ગણાય છે. શૂળી જેમ મહાદુ:ખદાયી છે, તેમ શોક્ય પણ મહા અનર્થને ક૨ના૨ી હોય છે. (૭)
હવે રાજ્ય ક૨તી એવી રતિસુંદરીએ પાછલી મધ્યરાત્રીએ ‘જયસુંદરી’ના પુત્રને પોતાની પાસે મંગાવ્યો. તે વખતે જયસુંદરી માતા ખૂબ જ રૂદન કરે છે. ખરેખર પૂર્વભવના વૈ૨ને લીધે પુત્રનો વિયોગ કરાવ્યો. (૮)
હવે મહિપતિ ચિંતવવા લાગ્યો કે ‘વરદાન’ આપીને હું ઠગાયો છું. હવે વચન અપાઈ ગયું તેથી હું પણ વચનના બંધનમાં ફસાયો. પહેલાં મેં કંઈ વિચાર કર્યો નહિ ! (૯)
વળી આ રાણીનું કપટ હું જાણી શક્યો નહિ હે દેવ ! તેં આ શું કર્યું ? હવે વચન આપેલું પણ ફોક કેવી રીતે કરું. સજ્જન પુરુષો પોતાનાં મુખે ઉચ્ચારેલું વચન ક્યારે પણ પાછું ખેંચતા નથી. તેવી મારી હાલત થઈ. મારાં જ મુખે ઉચ્ચારેલું વચન હવે ફોક કેવી રીતે કરું ? (૧૦)
હવે રતિસુંદરી રાણીએ જયસુંદરીના બાલકને નવરાવ્યો અને તેને અક્ષત-ફૂલથી અર્ચીને પડલીમાં ચંદનથી તેના શરીરને વિલેપન કરીને મૂક્યો. (૧૧)
ત્યારબાદ તે બાળકને દાસીના મસ્તકે ઉપડાવી ઘણાં પરિવારને સાથે લઈ વાજિંત્રોના નાદ સાથે જ્યાં કુલદેવી રહેલી છે તે દેવીના ઉદ્યાનમાં સહુ આવ્યા. (૧૨)
આ દ્રશ્ય જોવા માટે ઘણાં લોકો એક્ઠાં થયેલા છે. દેવીના દરબારે ગોરી મંગલ ગીતો ગાઈ રહી છે અને ત્યાં ચતુરા નામે એક ચકોરડી પણ ગીતો ગાઈ રહી છે. (૧૩)
આ પ્રમાણે દેવીના દરબારે ગીતોનો કોલાહલ થઈ રહ્યો છે. તે સમયે કંચનપુરનો સૂર નામે વિદ્યાધર રાજા ગગનપંથે જઈ રહ્યો છે. (૧૪)
૧૯૧