________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
સરીખો પામી યોગ, ભાનુમતિ શું હો, વિષયસુખ ભોગવે; પૂરવ પુન્ય પ્રયોગ, જોર દિવાજે હો, રાજ નિયોગવે. ૨૬ એક બાવીસમી ઢાળ, ઉલટ આણી હો, ઉદયરત્ન કહે; સુણજો સહુ ઉજમાલ, જિનપૂજાથી હો, આગે જે સુખ લહે. ૨૭ ભાવાર્થ : હે પુત્રી ! ભૂમંડલમાં પર-ઉપકાર કરવાનો ગુણ પ્રધાન છે. તેથી પર ઉપગારી એવા આ ઉત્તમ પુરુષે તને જીવિતદાન આપ્યું છે. (૧)
તે વાત સાંભળીને ગુણાનુરાગી એવી તે કુંવરીએ મનથી નક્કી કર્યું કે આ ભવમાં મારો આ કુમાર જ ‘ભરતાર' થાય એવી તેણે ત્યાં પ્રતિજ્ઞા કરી. (૨)
અને પિતાને કહેવા લાગી કે, હે પિતાજી ! જે આ ઉત્તમ ન૨૨ત્ને મને જીવિતદાન દીધું છે તે જ ઉત્તમ ન૨ સાથે હું પ્રેમસહિત લગ્ન કરીશ, બાકી અવર પુરુષની મારે પ્રતિજ્ઞા છે. (૩)
પોતાની પુત્રીના મુખથી આ પ્રમાણેની વાત સાંભળી રાજા હર્ષિત થયો થકો કહેવા લાગ્યો કે આ તો ‘દૂધમાં સાકર' ભળ્યા બરાબર તેં વાત કરી. અમે પણ પહેલેથી જ આ પ્રમાણેનો નિર્ણય હૃદયથી કરી રાખ્યો છે. (૪)
ત્યારબાદ ઓચ્છવ કરવા માટે ‘રાજા’ હાથી આદિ સામગ્રી મંગાવે છે અને કન્યાને તથા વિનયંધરને ગજ પર આરૂઢ કરે છે. ત્યારબાદ હાથી, ઘોડા, રથ, સૈન્યથી તથા પાયદલ ઘણાં પરિવારથી પરિવર્યો છતો તથા આગળ પંચરંગી ધજાને ફરકાવી. નિરઘોષ નિશાન ડંકા, અનેક પ્રકારના વાજિંત્રો વાજતે છતે શુભમુહૂર્તે (નિર્દોષ સમય) દેખીને તૂરના નાદથી અંબર ગાજતે છતે નગરીમાં પ્રવેશ કરે છે અને પોતાના મંદિરે આવી મનના ઉમંગ સાથે નગરીમાં વિશેષ પ્રકારે આનંદ સાથે વિધવિધ ઉત્સવ મંડાવે છે. (૫, ૬, ૭, ૮)
હવે ‘રત્નરથ’ રાજા મંત્રીજનોને વિનયંધરનું કુલ, વંશ વિગેરે જ્યારે પૂછે છે ત્યારે હર્ષથી મંત્રીજનોએ તે વખતે કહ્યું કે, આ સાર્થપતિનો સેવક છે. (૯)
ત્યારબાદ ‘રાજા' પોતે ‘સુબંધુ' સાર્થવાહને પોતાની પાસે બોલાવે છે અને પછી વિનયંધરનો કુલવાસ તથા ઉત્પત્તિ કેવા પ્રકારે છે. આદિ પરિચય પૂછે છે. (૧૦)
ત્યારે ‘સુબંધુ' સાર્થવાહે પણ કૂપકંઠે જે વાત પેલા મુસાફરે કહી હતી તે વાત કહી સંભળાવી પણ આગળથી બીજી કંઈ વાત હું જાણતો નથી. એ પ્રમાણે કહ્યું. (૧૧)
ત્યારે ‘રત્નરથ’ રાજાને આવો સંબંધ જાણી વજ્રાઘાત થયો અને તે સંશયમાં પડ્યા થકો વિચારવા લાગ્યો કે, હવે આની સાથે કુંવરીનો વિવાહ કેવી રીતે કરશું ? કારણ તેહનો કુલવંશ પણ જાણવાં મળતો નથી. (૧૨)
૧૨૬