________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
એણે એક લીમડાના વૃક્ષ નીચે રહેવાનું રાખ્યું. બધી ઋતુમાં એ ત્યાં જ પડી રહેતી. પવિત્રતા તથા અલૌકિક શક્તિઓના સંબંધમાં એની નામના નજીકના મુસલમાનમાં ફરી વળી, અને પછી તે હિંદુઓ પણ એને પૂજ્યભાવથી જોવા લાગ્યા. પાકા મકાનમાં રહેવાની અનિરણને લીધે કેટલાક મુસલમાનોએ આખરે એ જ વૃક્ષની નીચે એને માટે લાકડાનું આશ્રયસ્થાન તૈયાર કર્યું. એ એને માટે ઘરનું કામ કરતું અને ચોમાસાની અગવડતાઓ સામે થોડું ઘણું રક્ષણ પૂરું પાડતું.
જજને મેં એમને અંગત અભિપ્રાય આપવા કહ્યું તો એમણે જણાવ્યું કે હઝરત બાબાજન એક સાચી ફકીર છે એમાં શંકા નથી. જજ પારસી હોવાથી, એમના સુપરિચિત મહેરબાબા વિશે મેં કેટલીક માહિતી માગી. મને જે જાણવા મળ્યું તે પારસી પયગંબર પ્રત્યે વિશેષ પ્રેમ પેદા કરે તેવું ન હતું. મહેરબાબાના વર્તમાન પ્રેરણાદાતા ઉપાસની મહરાજ વિષે પણ છેલ્લે છેલ્લે મેં પૂછી જોયું. મને માહિતગાર કરનારા, ચતુર વિવેકી, સાંસારિક તથા આવા વિષયના વિશાળ અનુભવવાળા વૃદ્ધ પુરુષે એમની સાથેના પિતાના કમનસીબ મેળાપની વિસ્તૃત વિગતો આપી. એનાં બે ઉદાહરણે આ રહ્યાં :
ઉપાસનીએ ભયંકર ભૂલ કરી છે. એક વાર એમણે મને બનારસ જવા માટે લલચાવ્યા. એ વખતે એ ત્યાં રહેતા હતા, થોડાક વખત પછી, મને મૃત્યુને સંકેત મળવાથી મારા કુટુંબીઓ પાસે મેં પૂના જવાનો વિચાર કર્યો. ઉપાસનીએ બધું સારું થઈ જશે એવી ઉપરાઉપરી ભવિષ્યવાણી ભાખીને મને ત્યાં જતાં અટકાવ્યો. પરંતુ બે દિવસ પછી મને તાર મળ્યો કે મારી પુત્રવધૂને સંતાન થયેલું તથા તે થોડી જ મિનિટમાં મરણ પામ્યું. બીજી વખત બોમ્બે સ્ટોક એક્ષચેન્જમાં જવા માગતા મારા જમાઈને ઉપાસનીએ કહ્યું કે ત્યાં જવાનું એને માટે ખૂબ જ સૌભાગ્યશાળી થશે. એમની સલાહ મુજબ કરવાથી એ લગભગ બરબાદ બની ગયો !”