________________
ઈજિપ્તના જાદુગર
એમણે મારા પ્રશ્નનો ઉત્તર ફરી વાર પણ બરાબર આપે. મને થયું કે એ વિચારોને જાણી લેવાની શક્તિનું જ પરિણામ હશે.
મારા જમણા હાથમાં કાગળ એક વાર ફરીથી સીધો કરવાની એમણે સૂચના કરી. મેં કાગળને ટેબલ પર પહોળો કર્યો તે મારી નવાઈ વચ્ચે કાગળ પર કઢંગી રીતે પેન્સિલની મદદથી જે પત્રનું મેં સંપાદન કરેલું તે પત્રનું જ નામ જોયું!
જાદુ ! એ વાતને જાદુમાં ખપાવવી મને ઠીક નથી લાગતી. કાગળ તથા પેન્સિલ મારા જ ખિસ્સામાંથી બહાર કાઢેલાં. પ્રશ્નો પણ પહેલેથી ગોઠવી નહોતા રાખ્યા, અને મહમદ બેએ દરેક વખતે અમારા બંનેની વચ્ચે થોડાક ફીટનું અંતર કાળજીપૂર્વક બાકી રાખેલું. વળી આખાયે પ્રયોગ સવારના પ્રકાશમય વાતાવરણમાં કરવામાં આવેલ.
વશીકરણ વિદ્યા ? એ વિષયનો મને અભ્યાસ હતો, અને એના અનુચિત પ્રયોગ દ્વારા અસર પેદા કરવાના પ્રયત્નનો પણ ખ્યાલ હતો. એની સામેના સંરક્ષણની પણ ખબર હતી. અને પ્રત્યુત્તરરૂપે લખાયેલા રહસ્યમય શબ્દો હજુ પણ કાગળ પર કાયમ છે.
(કાગળને એ ટુકડે કેટલાક મહિના સુધી મારી પાસે રહ્યો અને એ વખત દરમિયાન એના પરનું લખાણ તાજું જ રહ્યું. ત્રણચાર જણને મેં એ કાગળ બતાવેલા અને એમણે એ ઉમેરાયેલા ઉત્તરે ઓળખી કાઢેલા પણ ખરા. એટલે એ આખાયે અનુભવ ભ્રાંતિરૂપ છે એવું ના કહી શકાય.)
મારી મૂંઝવણને પાર ન રહ્યો. એ ઈજિપ્તવાસીને મેં ત્રીજી વાર પ્રયોગ કરવાની પ્રાર્થના કરી અને છેલ્લી વાર પ્રયોગ કરી બતાવવા માટેની મારી પ્રાર્થના એમણે માન્ય રાખી. એમનો એ પ્રયોગ પણ સંપૂર્ણપણે સફળ થયો.