________________
જાદુગર તથા સંતના સમાગમમાં
૨૮૭
એ વિષયની માહિતી મને બ્રહ્મ મારફત જ્યારે પહેલી વાર મળી ત્યારે ઝેરની સાથે છૂટછાટ લેવાની વાત મને અશક્ય અને ન માનવા જેવી લાગેલી. પરંતુ શું શક્ય છે ને શું નથી એ સંબંધી વિચારોની મેં પહેલાં બાંધેલી મર્યાદાઓ હવે જરાક હાલવા લાગી. યોગીઓનાં ન માનવા જેવાં અને મોટે ભાગે સમજી ન શકાય તેવાં ગહન કામ, જોઈને હું કેટલીક વાર વિસ્મયમાં પડી ગયો છું. છતાં કોને ખબર છે, કદાચ એ એવાં ગૂઢ રહસ્યોનું જ્ઞાન ધરાવે છે જેમની શોધ કરવા આપણે પશ્ચિમવાસીઓ હજારો પ્રયોગશાળાઓના પ્રયોગો દ્વારા નિરર્થક રીતે પ્રયત્નો કરીએ છીએ ?