________________
મૌનવ્રતધારી સંતપુરુષ
મારા ઇતિહાસના કાળક્રમમાં ફેરફાર કરીને, એક રસભરી મુલાકાતનું વર્ણન કરવા માટે એકાદ અઠવાડિયું પાછળ જવું પડશે. - મદ્રાસની બહારના પરાના મારા નિવાસ દરમિયાન, મને જેમનામાં રસ હતો તેવા આગળપડતા મહાપુરુષોના મેળાપ માટે અથાક પરિશ્રમ કરવાનું અને શહેરમાંની હિંદી પ્રજાની પૂછપરછ કરવાનું હું ભૂલ્યો નહોતો. મેં ન્યાયાધીશે, વકીલ, શિક્ષક, વેપારીઓ, અને એકબે પ્રખ્યાત સંતપુરુષો સાથે પણ વાત કરી. મારા મુલાકાતીઓને પણ એ બાબત પૂછી જોયું, અને મારા ધંધામાં રસ લેતા માણસો સાથે પણ થોડા કલાક વાતો કરી. મેં એક સહતંત્રીને શોધી કાઢયા. એમણે મને ખાનગીમાં જણાવ્યું કે યુવાવસ્થામાં એ યોગના ઊંડા અભ્યાસી હતા. એ વખતે એમને એક મહાપુરુષનાં ચરણોમાં બેસવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. એ રાજયોગમાં પૂર્ણાવસ્થાએ પહોંચેલા હતા, પરંતુ દસ વરસ પહેલાં એ મહાપુરુષનું અવસાન થયું છે. - અગાઉના એ શિષ્ય ઘણુ બુદ્ધિશાળી તથા રસિક હતા, પરંતુ ઉચ્ચ કોટિના યોગીઓની પ્રાપ્તિ ક્યાં થશે તેની માહિતી તે આપી શકે તેમ નહોતા.