________________
નિશ્ચય સુતનો જાણીને, શેઠ સજાઇ કરાવે રે; પ્રવહણ દ્વાદશ સજ કરી, વસ્તુ કરીયાણે ભરાવે રે. વ્યા. ૧૨ ઈણિ અવસર સુરસુંદરી, ધરી ઉલટ શિર નામી રે; નિશ્ચય આવીશ હું સહી, તુમ સાથે સુણો સ્વામી રે. વ્યા. ૧૩ તુમ વિણ વાસર દોહિલા, ઝૂરતાં વિરહ જગાવે રે; કંથ-વિહુણી કામિની, લોક કલંક ચઢાવે રે. વ્યા. ૧૪ પ્રાણે સર મુજ વાલા, પ્રીતમ વયણ મ ચૂકો રે; સાથે તેડો મુજને, એકલી ઘેર મ મૂકો રે. વ્યા. ૧૫ માતપિતા સસરો સાસુ, પ્રિય વિણ ન ગમે કોઇ રે; એકલી નારી મ મૂકીએ, શાસ્ત્ર વિચારી જોઈ રે. વ્યા. ૧૬ રાજ્યસન ભોજન વસુ, રાજ્ય રમણી ઘર પ્રાયરે; સૂનાં મૂક્યાં એટલાં, અન્ય અધિષ્ઠિત થાયરે. વ્યા. ૧૭ કુમાર કહે પરદેશમાં, પગ બંધણ ન ખટાય રે; વળતું કુમરી કહે ઈમ્યું, દેહ જિહાં તિહાં છાય રે. વ્યા. ૧૮ સમ સંપી ઈમ દંપતી, મુહૂરત વિજય સધાવે રે; પામી આણ રાયની, માતા તિલક વધાવે રે. વ્યા. ૧૯ રાસ રચ્યો રળિયામણો, તેહને બીજે ખંડે રે;
વીર કહે ઢાળ પહેલી, ભાવિ પદારથ મંડે રે. વ્યા. ૨૦ ભાવાર્થ :
ધીમે ધીમે ગુણીયલ પુત્રને વ્યાપારમાં રસ વધ્યો તે જાણીને પિતાને પણ હરખ માતો નથી. વિનયયુક્ત વચનાથી કુમાર સૌને પ્રભાવિત કરે છે. પેઢી ઉપર નાનાશેઠની હવે તો ઘણી બોલબાલા વધી ગઈ. વ્યાપારીઓએ ચંપાનગરીમાંથી કરિયાણા આદિ લેવા જેવી વસ્તુઓ લઈ વહાણો ભરી દીધા ને વળી વેપાર માટે વ્યાપારીઓ પરદેશ જવા માટે તૈયાર થયા એ જાણીને કુમારનું મન પરદેશ વ્યાપાર કરવા માટે લલચાયું. પોતાની ઇચ્છા વિનયયુક્ત વચનોથી પિતાની આગળ કહી સંભળાવી. “હે પિતાજી! અમને પરદેશ જવાની ઘણી ઉત્કંઠા છે. ધન કમાવવાને કારણે પરદેશ જાશું. દેશ પરદેશ જોશું. નસીબને અજમાવશું. મારા મનમાં ઘણો આનંદ ઉપજ્યો છે. સમુદ્રની વાતો કૂવામાં રહેલ દેડકાને શી ખબર હોય? એવી જ મારી દશા છે. સમુદ્ર જેવી દુનિયાને હું ઓળખતો નથી. મારું જીવન કૂવાના દેડકા જેવું બંધિયાર લાગે છે. હવે દેડકાની પેઠે મારે જીવવું નથી. મારી દેશ પરદેશ જોવાની તીવ્ર તમન્ના છે.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રસ)