________________
આવડું મોટું સ્વરુપ શા માટે કરે છે? આ બધું બોલે છે તે શું તને પણ શોભે છે? સાત કોડી મેં લીધી. તેમાં શું થઇ ગયું. સાત કોડીમાં તો તુ શું કરત! જેથી તને આટલુ બધું દુઃખ લાગ્યું છે. કુંવરી કહે - રે! શ્રેષ્ઠિકુમાર! સાત કોડીની તારે મન કંઇ કિંમત દેખાતી નથી. પણ સાંભળ સાત કોડીમાં હું તો રાજ્યને મેળવી શકીશ. આવાં વચનો સાંભળીને કુમારને ઘણું જ દુઃખ લાગ્યુ. કુંવરીના અપમાનને સહન કરી લીધુ. મૌન રહ્યો. મનમાં સમસમી રહ્યો. લાગ્યું કે અહીં બોલવું હવે ઉચિત નથી. પણ હૈયામાં ભારે ચોટ લાગી. આ વચનો તેને હૈયે સોયની જેમ ભોંકાયા. રાજાની દીકરી છે. તેથી હાલ કંઇ જ બોલવામાં સાર નથી. કુંવરીના વચનો કારમા ઘા જેવા લાગ્યા. ને ગાંઠવાળી, ક્યારેક અવસર આવે આનો ઉત્તર આપીશ. ને સઘળું કાર્ય કરી બતાવીશ. આમ વિચારીને કુંવરીને ન બોલાવીને પોતાને સ્થાને ચાલ્યો ગયો. અનુક્રમે બંને જણાએ બાકી રહેલી કલા આદિ વિદ્યાને શાસ્ત્રના અર્થને ભણી લીધા.
આ પ્રમાણે ભણતાં બંનેનો અભ્યાસ પૂર્ણ થયો. સુરસુંદરીના રાસની પ્રથમ ખંડની ચોથી ઢાળ ચોપાઇ રાગથી પૂ વીરવિજયજી મહારાજે કહી તે તમે સહુ ચિત્તને વિષે ધારણ કરજો. ને ક્યારેય અજુગતુ કાર્ય ન કરીએ જેથી પાછળથી પસ્તાવાનો વારો આવે.
૨૦
પ્રથમ ખંડે ચોથી ઢાળ સમાપ્ત
★
શ્રી નવકારમહામંત્રનો મહિમા
(દોહરા)
હવે નિજ નિજ માતાઠવે, જૈનાચાર જ પાસ; સંઘયણાદિક સવિ ભણે, દંડક ક્ષેત્ર સમાસ. ૧ પાસે પોષહશાલમાં, સાધવી સુગુણ પવિત્ત; એક દિન બેઠી નમી કરી, સુરસુંદરી સુવિનીત. ૨ વિનય કરી તવ પૂછતી, સાધવીને ઘરી નેહ, શ્રી નવકાર તણો કહો, મહિમા જાસ અછેહ. ૩ તવ વળતું ગુરુણી કહે, સાંભળ રાજકુમારી; મંત્ર પરમેષ્ઠી શાશ્વતો, ચૌદ પૂરવનો સાર. ૪ ભાવ સહિત જપતાં થકાં, સપ્ત અયર દુઃખ નાશ; એક અક્ષરથી જાણજો, એક પદે પંચાસ. ૫
મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ