________________
ચોર ગણિકા આવાસમાં ગયો. ગણિકાઓને જોતો જોતો આગળ જાય છે. તેમાં એક ગણિકા ઉંમરમાં નાની, દેખાવડીને જોઇ તેના ઘરમાં ગયો. ગણિકા પોતાના ઘરમાં આવેલા ગ્રાહકને જોઇને પ્રેમયુકત વચનો અને મનોહર વિલાસને કરતી વાત કરવા લાગી. ચોરે કહ્યું- તારુ નામ શું? ગણિકા મારું નામ શશી. આ શશીને પાનનું બીડું આપીને કહેવા લાગ્યો. મારું એક કામ કરવાનું છે. આ કામ તારે માથે લઇને કરવાનું છે. જો આ બતાવેલું કાર્ય કરી આપે તો તે બદલામાં તને હું કિંમતી વસ્ત્ર અને દસ દીનાર આપીશ. ધનલોભી વેશ્યા આ વાત સાંભળીને કહેવા લાગી- તમારું કામ જરુર કરીશ. શશી! જો સાંભળ! તૈયાર થઇ જા. મારી સાથે તારે આવવાનું છે હું જયાં લઇ જાવું ત્યાં તારે મારી સાથે આવવાનું. પણ તારે બિલકુલ મૈાન કરવાનું. ને ત્યાં હું જે કહું તે તારે સાંભળવાનું અને કામ બતાવું તે કરવાનું. ચોરની વાતમાં સંમત ને થઇને ચોરની સાથે ચાલી.
ત્યારપછી ચોર ગણિકાને લઇને સુરપ્રિયના આવાસે આવ્યો. સુરપ્રિયને હાથ જોડીને કહેવા લાગ્યો. આ મારી નાની બેન છે. એ તમારા નાસ્તિક મતને માનનારી છે. લગ્ન કરવાની ના પાડે છે. તે તમારા હાથે દીક્ષા લેવાની ઇચ્છા ધરાવે છે. કૃપા કરીને મારી બેનને દીક્ષા આપો. આ વાત સાંભળી સુરપ્રિય કહેવા લાગ્યો, સાંભળ મહાભાગ! તારી બેનની દીક્ષા મારા હાથે થાય. પણ અમારી દીક્ષાનો આચાર છે કે દીક્ષા લેતાં પહેલાં દીક્ષાર્થી ભાઇ કે બેન પોતાને હાથે એક પશુનો વધ કરવો પડશે. અહીંયા જેટલાએ દીક્ષા લીધી છે તે બધા તેના સહોદર કહેવાય. તો તે સહોદર સાથે સુરાપન કરવું પડે. અને સહોદરને સંતોષવા વિષયસુખને પણ ભોગવવા પડે. વળી મારી પાસે આ એક જ પાત્ર છે. તેમાં ભોજન કરવું પડશે. આ બધું તેનાથી થશે. ચોર કહેવા લાગ્યો.તમે કહેશો તે બધું જ મારી બેન કરવા તૈયાર છે. પણ આપ તેને દીક્ષા આપો. ત્યારપછી સુરપ્રિયે તે બંનેને પોતાને ત્યાં રાખ્યા. એમ કરતાં દિવસ પૂરો થયો. રાત પડી. સૂરપ્રિય ધૂર્તને કહે છે કે મારે મહત્ત્વના કાર્ય માટે એકાન્તમાં સૂવાનું છે. તારી બેન મારા શિષ્ય સાથે એકાન્તમાં મદિરાપાન કરશેને? ચોર કહે- હા ગુરુજી! મારી બેનને તમારી દીક્ષા લેવી છે. માટે તમે કહેશો તે કરવા તૈયાર છે. બેનના રુપમાં ગણિકાએ પણ હા ભણી. ચોરના કહેવાથી ગણિકાને માન છે. ઇશારાથી વાત કરે છે. ગુરુના વચનને પ્રમાણ ક૨વા સૂચન કરે છે.
રાત પડી. ચોરે ગણિકાને શિષ્યોની સાથે વચમાં બરાબર બેસાડી. અને શિષ્યોને મદિરા આપતી, આંખોને નચાવતી હાવભાવ કરતી હતી. પોતે પણ મદિરાનું સેવન કરતી હતી. થોડી થોડીવારે પોતાની ચારે બાજુ રહેલા સૂરપ્રિયના શિષ્યોને દારુ પીવડાવતી હતી. ધીમે ધીમે દારુનો નશો વધતો હતો. વેશ્યા વધારે-વધારે દારુ પીવડાવતી હતી. વળી નયનોને નચાવતી, હાથમાં રમાડતી શિષ્યોની સાથે રાત પસાર કરવા લાગી. જેમ જેમ દારુ પીતાં ગયા તેમ તેમ નશો ચડવા લાગ્યો. સૌ ભાન ભૂલવા લાગ્યા. ને ધરતી ઉપર ઢળી પડયા. વેશ્યા પણ દારુના નશામાં ભાન ભૂલી ગઇ. બરાબર બેભાન બન્યા છે. જાણીને ચોરે પોતાનું કામ કરી લીધું. સુરપ્રિયના શિષ્યોનાં અને વેશ્યાનાં વસ્ત્રો ઉતારી લીધા. વળી આજુબાજુ પણ લેવા જેવી ચીજો લઇ લીધી. ત્યારબાદ શિષ્યો અને વેશ્યાને દોરડાથી બાંધી દીધા. ચોર મઠમાંથી વસ્તુ, વસ્ત્રો આદિ લઇને પોતાના માર્ગે ચાલ્યો ગયો.
સવાર પડી. સહુનો નશો પણ ઉતર્યો. સહુ નગ્ન હતા. એકબીજાને જોઇને શરમિંદા થયા. હસવા પણ લાગ્યા. એકાન્તમાં ગયેલા ગુરુ પણ તે વખતે આવ્યા. પોતાના શિષ્યો અને વેશ્યાને આવા પ્રકારના જોઇને વેશ્યાને પૂછવા લાગ્યા. કયાં ગયો તારો ભાઇ? વેશ્યા કહે - મારો ભાઇ નથી. હું તો વેશ્યા છું. વેશ્યા પણ છેતરાણી. સઘળી વાત જાણ્યા પછી સુરપ્રિય રાજાની પાસે પહોંચી ગયો. રાજન! અમે સૈા લૂંટાયા. મારા પરિવારને નગ્ન કરીને બધું જ લૂંટી ગયો છે. ચોથા ખંડને વિશે છઠી ઢાળ કૈાતુકથી ભરેલી છે. કહીને સમાપ્ત કરતાં પૂ. વીર વિજયજી મ.સા. કહે છે કે હવે પ્રધાન બીડું ઝડપે છે.
(૨૪૪
ચતુર્થ ખંડે છઠ્ઠી ઢાળ સમાપ્ત
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)