________________
ભાવાર્થ :
આ જગતમાં મોહરાજાના રાજયમાં કંદર્પ જીવોની ઉપર કાળો કેર વર્તાવ્યો છે. રાજટી ખેચરરાય ગહન વિચારમાં પડી ગયો છે. મહામુનિઓ, મહારથીઓ, કામદેવના પંજામાં આવતાં સ્થાનભ્રષ્ટ થઇને દુર્ગતિએ ચાલ્યા ગયા છે. સૃષ્ટિના સર્જનહાર બ્રહ્મા એવું નામ ધારણ કરનાર મહાઋષિ હતા. નિમિત્તો મળતાં ભવથી વૈરાગ્ય પામ્યા. સંસારથી ઉદ્વેગ પામેલા બ્રહ્માજી તપ કરવા માટે વનમાં ગયા. પ્રજાના પ્રતિ બ્રહ્માએ જંગલમાં રહીને ઘોર તપ આરંભ્ય. આ તપ કરતાં અઢાર કરોડ વર્ષ વીતી ગયા. આ તપની જાણ ઇન્દ્ર મહારાજને સભામાં થઇ. આ તપથી મારી જગ્યા મારું સ્થાન લઈ લેશે. આવા પ્રકારની ભીતી થઇ. અને પોતે પોતાના સિંહાસન માટે મોટી ચિંતા થઈ. સંસારમાં પોતાનું સ્થાન ચાલ્યું જાય તે કોઇને ગમતું નથી. વિચારતા ઉપાય લાધ્યો. પોતાની પટ્ટરાણી ઇન્દ્રાણીને બોલાવીને કહે છે, હે દેવી! પૃથ્વી તળને વિષે જંગલમાં રહીને બ્રહ્માજી ઘોર તપ કરી રહયા છે. તમે જઇને તે ઋષિ ને તપમાંથી વિચલિત કરો. સ્વામીની વાત સાંભળી ઇન્દ્રાણી આજ્ઞા મેળવી તરત જ પૃથ્વી ઉપર આવે છે. તપ કરી રહેલા બ્રહ્માજી જયાં રહ્યા છે ત્યાં પહોચી જાય છે. પહેલા કરેલા નાટકોથી ઘણાને હરાવ્યા હતા. તેથી ઇન્દ્રાણીને બ્રહ્માજીને હરાવવા રમત વાત હતી. સુંદર નાટકનો આરંભ કર્યો. સાથે સાથે પ્રેમયુકત ગીતો પણ ગાવા લાગી. બ્રહ્માજી ધ્યાનથી વિચલિત થયા. ધ્યાનને છોડીને ઇન્દ્રાણીના નૃત્યો જોતાં મન ઇદ્રાણી ઉપર ઢળી પડયું. ઋષિપણે ચાલી ગયું. ઇદ્રાણીના સંગથી આનંદ પામેલા બ્રહ્માએ વરદાન માંગવા માટે કહ્યું. હે દેવી! તમને જે જોઇએ તે માંગો. હું પ્રસન્ન થયો છું. તમારા ઇચ્છિતને આપીશ. ઇન્દ્રાણી આ તકની રાહ જોતી હતી. તક મળી જતાં બ્રહ્મા પાસે માંગે છે. - હે ઋષિરાજ! આપ મારી ઉપર પ્રસન્ન થયા હોય તો અમને આપો મદિરા અને બોકડાનું માંસ. બ્રહ્મા બોલ્યા :- હે દેવી! તમારા સંગથી અમારું તપ ગયું પણ હું એક ઋષિ છું. તે સમજીને તમારે કાગનું માંસ ન યાચવું જોઈએ. પણ મેં વચન આપ્યું છે. તો તે વચન અનુસાર મદિરા તો પાણી સમાન છે. તેથી તારી સંગે અમો મદિરા પાન કરીશું. આ પ્રમાણે કહીને ઋષિએ મદિરાપાન કર્યું. મદિરાપાને ઋષિને ઘણી ભૂખ લાગી હતી. ભયંકર ભૂખ કેમ કરીને શાંત ન થતાં બોકડાને હણી નાખ્યો. ભુખ-સુધાને શાંત કરી. ત્યારબાદ બ્રહ્મા સુરાંગના સાથે લજજાને મૂકીને ક્રીડા કરવા લાગ્યા. સાંસારિક સુખને ભોગવવા લાગ્યા. તપનું ફળ નિષ્ફળ ગયું. ' છતાં કદાચ કંઇક તપ બાકી રહી ગયું હોય તો, તે વિચારીને સુરાંગનાએ દક્ષિણ દિશામાં ફરીથી નાટકનો આરંભ કર્યો. લજજા-શરમ મૂકીને બ્રહ્મા પોતાની શકિતને દક્ષિણ દિશા તરફ નવું મોં બનાવીને સુરાંગનાનો નાટક જોવા લાગ્યા. વળી ઇન્દ્રાણી પૂર્વ પશ્ચિમ દિશાએ પણ નાટક કરવા લાગી. બ્રહ્માએ બાકી રહેલી દિશાઓ તરફ પોતાના મુખને નવું બનાવતાં ગયા. ને ઇન્દ્રાણીના વિવિધ પ્રકારના નૃત્યોને જોવા લાગ્યા. બ્રહ્માએ પોતાના ચાર પ્રકારના મુખ બનાવી સમગ્ર કરેલા તપને નેવે મૂકી દીધું. હું સાવું છું તે પણ ભૂલી ગયા. કરેલું ઉગ્ર તપ નિષ્ફળ ગયું. અઢાર કરોડ વર્ષ સુધી કરેલા તપને કામલોલુપ્ત બનેલા બ્રહ્માએ ગુમાવી દીધું.
દેવાંગનાએ ચાર દિશાએ નાટક કરી ચાર મુખવાળા બ્રહ્મા બનાવીને, વળી આકાશમાં જઈને નૃત્ય કરવા લાગી. દેવાંગનાના નાટકને જોવાને માટે બ્રહ્માએ પોતાનું પાંચમું મુખ બનાવી આકાશ તરફ જોવા લાગ્યા. આકાશમાં રહેલા ઇશ્વરે બ્રહ્માના પાંચમા મુખનો છેદ કર્યો. મુખના છેદથી બ્રહ્માને ઘણી વેદના થઇ. ઇન્દ્રાણી આવા પ્રકારના બ્રહ્માને જોઇને હાસ્ય કરતી કરતી પોતના સ્થાને ચાલી ગઈ. લોકને વિષે ચારમુખવાળા બ્રહ્મા પ્રસિદ્ધ પામ્યા. પાંચમા મુખે નિંદાને પામ્યા. સમર્થ બ્રહ્મા ઋષિ પણ નારી આગળ દાસપણાને પામ્યા. આવા પ્રકારની સ્ત્રીથી હણાયેલાં બ્રહ્માએ વનમાં તપ કર્યું અને એ જ વનમાં તપના ફળને ખોઈ બેઠા. તપને વેચી નાંખ્યું.
(મહાસતી શ્રી સુરસુંદરીનો રાસ)