________________
વિમલકુમાર ! આ કંઈ ઘી-ગોળનો બજાર નથી કે, અબી બોલા અબી ફોક કરવાના વાણિયાવેડા અહીં નભી શકે ! આ તો બહાદુરોનું બ્રહ્માંડ છે, અહીં બોલાયેલા એક એક શબ્દની સત્યતા સિદ્ધ કરવાની જવાબદારીનો ખ્યાલ હોત, તો મને લાગે છે કે, તમારો જવાબ કોઈ જુદો જ હોત, તો એમાં તમારી બડાઈ નહિ, પણ આ વીરોની વડાઈ છતી થતી હોત ! માટે ડાહ્યા થઈને નમતું તોળો. એમાં જ મજા છે. તો જ તમારી હાટ-હવેલી અને હમણાં કમાયેલી કીર્તિ સચવાશે. આમેય બળવાનના પગ ચાટવામાં વાણિયો કંઈ કલંક માનતો નથી. એને માટે તો જીવતા રહેવું, એ જ બહાદુરી ગણાય છે. અને અહીં તો મહારાજ ભીમદેવ સમક્ષ માફી માગવાની છે, માટે સુખે જીવવું હોય, તો તમારી આ પાંચશેરીને ભીમદેવના પગમાં નમાવી દો.”
રાજા ભીમદેવ પણ મહેતાના સૂરમાં પોતાનો સૂર મિલાવવા જતા હતા. ત્યાં તો વિમલકુમાર નીડરતા-પૂર્ણ નમ્રતા સાથે ભીમદેવ સમક્ષ ઉપસ્થિત થઈ ગયા અને એમણે કહ્યું :
“મહારાજ ! મને એનું આશ્ચર્ય થાય છે કે, મને જે તમાશો અને છોકરમત લાગે છે, એને આપના જેવા બહાદુર બાણાવળી આમ આટલું બધું મહત્ત્વ કેમ આપી રહ્યા છો? હું જે કંઈ બોલ્યો છું, એની જવાબદારી જવાંમર્દી સાથે અદા કરવાની મારી તૈયારી છે. તોલ વિનાના બોલ બોલવાનું હું શીખ્યો નથી. મારા એક એક શબ્દને સિદ્ધ કરી બતાવવા માટે જરૂરી બળ-કળથી આ કાયા અને કાળજું કસાયેલ છે, માટે જ તો દુન્યવી દૃષ્ટિએ સૂતેલા સિંહની કેસરા સાથે અડપલું કરવા જેવી પ્રવૃત્તિ કર્યા પછી પણ મારા મનની મર્દાનિયત મોળી નથી પડી. બાકી આપને મારી માફી જ જોઈતી હોય અથવા દામોદર મહેતાને મને નમાવવામાં જ રસ હોય, તો આપ તો મારા માટે પિતા જેવું સ્થાન-માન ધરાવો છો, એથી આપના પગ પકડતા મારે શરમાવવાનું હોય જ શાનું ? પરંતુ જો મારી શસ્ત્ર-કળાને જોવાની આપની ખરેખર ઇચ્છા જ હોય, તો એ ઇચ્છાને સંતોષવી, એ મારું
૮૬ ૬ આબુ તીર્થોદ્ધારક