________________
ત્રાજવાનો ભાર પણ ન ખમી શકનારી આ ભુજાઓ તલવારના ભાર ઊઠાવવામાં પણ સફળ બને, તો માનવું પડે કે, ભાઈ ! આ યુગમાં મકોડો પણ ગોળનો રવો ઉપાડી શકે !
થોડી પળો પસાર થઈ ન થઈ, ત્યાં તો અનેક વીરો પોતાની કળાનું પ્રદર્શન કરવા મેદાને પડ્યા. દૂર દૂર રહેલા વૃક્ષની ડાળીઓ ઉપર નિર્ધારિત કરી રાખેલ ફળોને બાણ પ્રહારથી વીંધીને કોઈ પોતાની કળા બતાવતું, તો કોઈ વળી ચોક્કસ પાંદડાંઓને પાડી બતાવીને જયજયકાર મેળવતું ! આમ, ભાતભાતની અને જાતજાતની બાણકળાઓના પ્રદર્શનનો રંગ જામ્યો, એટલામાં જ દામોદર મહેતાની નજર ટોળામાં દૂર દૂર ઊભેલા વિમલ પર પડી. મનોમન કંઈક મંત્રણા કરીને, એમણે વ્યંગમાં ભીમદેવને કહ્યું :
મહારાજ ! મંત્રી વીરના પુત્ર વિમલ ભલે વણિક રહ્યા, પણ પોતાની બાણકળા અજમાવવા એ અહીં આવ્યા લાગે છે. માટે આ ક્ષત્રિયોને જરા બાજુ પર રાખીને, એમને પહેલી તક આપો, તો એઓ એ વાત સિદ્ધ કરી આપે કે, ત્રાજવું ઝાલી જાણતો વણિક તલવાર પણ તાણી જાણે છે અને કટાક્ષના બોલથી કોઈને વીંધી જાણતા વણિકને માટે બાણથી કોઈને વીંધવા એ પણ રમત વાત છે,'
દામોદર મહેતાના આ શબ્દો પાછળ જે તેજોદ્વેષ ને ઈર્ષાપ્રેરિત માયાસ્મૃતિ હતી, એ ભીમદેવ ને સમજી શક્યા. એમણે પૂછ્યું : મહેતા ! શું વિમલ એવડો મોટો થઈ ગયો છે કે, ધનુષ પર બાણ ચડાવી શકે? ભીમદેવને તો એમ જ લાગતું હતું કે, મંત્રી વીરની દીક્ષા હજી હમણાં જ થઈ છે, ને પોતે ગાદીએ હજી હમણાં જ બેઠા છે. એટલામાં મંત્રીપુત્ર ક્યાંથી મોટો થઈ જાય?
મહારાજ ! આટલું જ શા માટે, વિમલકુમાર તો એટલા પુર્ણ થઈ ગયા છે કે, કોઈ શત્રુને જીતવા જંગે ચડતી આપણી સેનાના દંડનાયક તરીકે વિમલકુમારને નીમવામાં આવે, તો એઓ જીત્યા વિના પાછા ન જ આવે ! દામોદર મહેતા માયાજાળને વળ ચડાવી જાણતા હતા.
૮૪ આબુ તીર્થોદ્ધારક