________________
માતા વિરમતિ વર્ષો પછી પાછી એક એવી સમૃદ્ધિ નિહાળવા બડભાગી બની હતી, જેવી એણે પોતાના પતિદેવના સમયમાં અનુભવી હતી. છતાં એની ધર્મભાવના દિવસે દિવસે વૃદ્ધિ પામી રહી હતી, એટલું જ નહિ, પોતાની આવી ભાવનાની પ્રભાવના ઘરમાં છૂટે હાથે કરવાની એક પણ તકને એ ગુમાવતી નહોતી, એથી ઘરમાં જૈનત્વની જાહોજલાલીનું દર્શન મોટા પ્રમાણમાં થતું હતું. આમ, પાટણમાં પડેલા પુનરાગમનના એ પગલે પગલે નેઢ અને વિમલનું જીવન સમૃદ્ધિનાં શિખરો ભણી ઝડપી ચઢાણ ચડી રહ્યું હતું, ત્યારે પણ દૂર દૂરનો એક ખૂણો આ ચઢાણને ભંગાણમાં પલટાવવા કાજેના મૂહો રચીને મનોવ્યથા અનુભવતો હતો. એ ખૂણો હતો, દામોદર મહેતાનું મન !
સમગ્ર પાટણ જ્યારે નેઢ અને વિમલની પ્રગતિને પ્રસન્ન નજરે નિહાળી રહ્યું હતું, ત્યારે મહેતાનું મન બળીને ખાખ થઈ રહ્યું હતું. પણ એમનેય અંધારામાં રાખીને ભાવિ એક એવો વળાંક લઈ રહ્યું હતું કે, જે વળાંકની વાટ નેઢ અને વિમલના પગ નીચે ગોઠવાઈ જઈને, એમને ક્રમશઃ મંત્રી અને દંડનાયકના પદની પ્રગતિનું શિખર હાંસલ કરાવીને જ જંપે !
મંત્રીશ્વર વિમલ
છ ૮૧