________________
અનુભવ્યું હોય, તો મહેતા દામોદરે ! એમના અંતરના ઊંડાણમાં એક એવી આશંકાએ મૂળ ઘાલ્યું કે, કાલે ઊઠીને પાટણની આ પ્રજા પોતાના પ્રેમની પાલખી પર બેસાડીને આ બે ભાઈઓને મંત્રીપદના મહેલમાં પધરાવવા તૈયાર થાય, તો નવાઈ નહિ ! આવી આશંકાનાં મૂળ વધુ ને વધુ ઊંડાં ઊતરતાં રહે, એવી ઘટનાઓ એક પછી એક બનતી રહી, ને એમની આશંકાનાં મૂળ ઊંડાં ઊતરતાં ચાલ્યાં.
નેઢ અને વિમલનો લગ્નપ્રસંગ અનેરા ઠાઠમાઠ સાથે ઊજવાઈ ગયો હતો. ઉલ્લાસના માંડવા આમ જો જોવા જઈએ, તો શ્રીદત્ત શેઠ અને લક્ષ્મીપતિ શેઠના આંગણે જ નંખાયા હતા. પણ આ પ્રસંગ પોતાનો જ હોય, એવો આનંદ-ઉલ્લાસ ઘણી મોટી જનતાએ વ્યક્ત કર્યો હતો. વીર મંત્રીની દીક્ષા પછીના થોડા દિવસો બાદ બંધ થયેલી એમની હવેલીનાં દ્વાર હવે ખૂલ્યાં હતાં ને થોડા જ દિવસોમાં એક કાબેલ વેપારી તરીકેની પ્રખ્યાતિનાં પ્રેમપૂર ચોમેરથી આવી-આવીને નેઢ અને વિમલની આબરૂને વધુ ને વધુ સમૃદ્ધ બનાવી રહ્યાં હતાં. ભાગ્યનો દેવ પણ હવે એમની પર જાણે ચારે હાથે રીઝ્યો હતો. એથી એઓ જ્યાં હાથ નાખતા કે જે વેપાર શરૂ કરતા, એ એમના માટે અખૂટ સમૃદ્ધિના આગમનનો રસ્તો બની જતો હતો.
વીરમતિની આંખ આગળ હવે એ બધો જ ભૂતકાળ અને ભૂતકાલીન એ બધી જ વાતો તાજી થઈને એના રોમેરોમને રાજી બનાવી રહી. અંબિકાદેવીની કૃપા વરસી હતી, ભાગ્યનો ભંડાર ખુલ્લો થઈ જઈને ધનના ઢગલેઢગલા વરસાવી રહ્યો હતો. જનતાની લાગણીઓ ઘનઘોર આષાઢી વાદળાં બનીને વાત્સલ્યનાં જળ વહાવી રહી હતી. બુદ્ધિ અને બળના પ્રવાહો નેઢ અને વિમલની જીવન વાડીમાં ઠલવાઈને એને વધુ ને વધુ સમૃદ્ધિ આપી રહ્યા હતા. ધનશ્રી અને શ્રીદેવી એવા પનોતા પગલે આવ્યાં હતાં કે, એમના પગલે પગલે ઘરમાં સંપ અને સંપત્તિ, સદાચાર અને સરસ્વતી, ધીરતા અને વીરતા જેવાં અનેક દ્વન્દ્વો વૃદ્ધિ પામી રહ્યાં હતાં.
૮૦
આબુ તીર્થોદ્ધારક