________________
હિતશિક્ષા ભીમદેવને જાણે યાદ પણ નહોતી. એથી દામોદર મહેતાને થતું હતું કે, પોતાના પાસા પોબાર પડ્યા છે અને ટાઢે પાણીએ ખસ ગઈ છે ! પરંતુ આ તો માત્ર એમની માન્યતા હતી.
માન્યતા અને હકીકત ઘણા ઓછા પ્રસંગોમાં એક હોય છે. લગભગ રાજકીય સૃષ્ટિમાં તો માન્યતા અને હકીકત વચ્ચે અનેક ગાઉનો ગાળો જ નહિ, પણ સાવ વિપરીત દિશા સંબંધી વિરાટ અંતર હોય છે. દામોદર મહેતાની માન્યતાને પણ આ જ સત્ય લાગુ પાડી શકાય એમ હતું. એથી એઓ નેઢ-વિમલનો કાંટો ઊખડી ગયાની માન્યતામાં રાચી રહ્યા હતા. ત્યારે ભાવિ એક હકીકતને સાકારતા આપવાની દિશામાં આગળ વધતું હતું અને એથી એ જાતના સંયોગોની શૃંખલાઓના અંકોડા અદશ્ય રીતે જોડાણ સાધી રહ્યા હતા.
ભીમદેવના રાજ્ય-દરબારમાં જે કેટલીક વ્યક્તિ શક્તિઓ અગ્રગણ્ય ગણાતી હતી, એમાં શ્રીદત્ત શ્રેષ્ઠીનાં નામ-કામ ઠીક ઠીક આગલી હરોળને શોભાવતાં હતાં, એક નગરશેઠ તરીકે જ નહિ, પરંતુ બીજી બીજી પણ અનેક રીતે એમનું પ્રદાન એવું વિશિષ્ટ હતું કે, એથી એમની નામના-કામનામાં ચાર ચાર ચાંદ ખીલી ઊઠે, તોય કોઈને આશ્ચર્ય થાય એમ ન હતું. એમની પાસે સંપત્તિ હતી, સાથે સાથે સુપાત્રમાં એનો સઉપયોગ કરવાની બુદ્ધિ પણ હતી, એમની પાસે અધિકાર હતો, સાથે સાથે એ અધિકારની રૂએ સજ્જનોને પૂજા અને દુર્જનોને સજા મળે, એવા જ કાર્યમાં અગ્રેસર થવાની નીતિમત્તા હતી, એથી એ અધિકાર એમના તરફ ધિક્કાર નહિ, સત્કારની ભાવના જગાવવામાં નિમિત્ત બનતો, તેથી જ રાજ્યસભા જયારે ભરાતી અને નગરશેઠની બેઠક પર જ્યારે એઓ બેસતા, ત્યારે એમ લાગતું કે, તાજ વિનાના રાજા તો આ જ છે.
નગરશેઠને એક દીકરી હતી. એનું નામ શ્રીદેવી હતું. યોગ્ય વય થતાં સંસ્કારી ઘર ને સદ્ગણી વર શોધવા શેઠની નજર આખા પાટણમાં ઘૂમી વળી. પણ શેઠની નજર કોઈ સ્થાને બરાબર ઠરી નહીં. મંત્રીશ્વર વિમલ છ ૭૩