________________
એ કાળમાં વર-કન્યા વચ્ચે જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ લેણાદેણીનો વિચાર પણ થતો. એથી શેઠે રાજજોશીને તેડાવીને કેટલીક કુંડલીઓ રજૂ કરવાપૂર્વક શ્રીદેવીના વિવાહ અંગે માર્ગદર્શન માંગ્યું. થોડીઘણી કુંડલીઓ જોયા બાદ પણ જોશીનું મન ન માન્યું, એથી એમને એકાએક કંઈક યાદ આવ્યું અને એમણે કહ્યું :
“શેઠ ! આ બધી કુંડલીઓ બાજુ પર મૂકો. મને બીજો જ એક વિચાર આવે છે. આ વિચારની યોગ્યાયોગ્યતાનો નિર્ણય તો આપે જ કરવાનો છે. મારો અધિકાર તો માત્ર વિચારને વ્યક્ત કરવા પૂરતો જ છે !'
શેઠે ઉત્સુકતા બતાવી, ત્યારે જોશીએ કહ્યું : વિમલનું નામ તો સાંભળ્યું જ હશે ? મંત્રી વીરનો પુત્ર વિમલ ! એની જન્મકુંડલી મેં બનાવી હતી, અત્યારે એ પૈસેટકે ભલે સમૃદ્ધ ન હોય, પણ એનું ભાવિ ભારે બળવાન છે અને એની કુંડલી સાથે શ્રીદેવીની કુંડલી સરખાવતાં ખૂબ જ સારી લેણાદેણી જોવા મળે છે. માટે આપ જો વિમલ ઉપર પસંદગી ઉતારો, તો મારી દષ્ટિએ સર્વોત્તમ કુંડલી એની છે.
શેઠ એકદમ હસી ઊઠ્યા : અરે ! જોશીરાજ ! આ તો કેડમાં છોકરું અને ગામમાં ગોતાગોત, જેવું થયું ! વિમલને તો હું સારી રીતે ઓળખું છું ! એના પિતા વીર મંત્રી સાથેનો સાધર્મિક તરીકેનોય સંબંધ આંખ સામે તરવરી આવે છે અને આજેય રોમાંચ ખડાં થઈ જાય છે. ખરેખર વિમલ બધી રીતે યોગ્ય છે. અને તમારા કહેવા મુજબ પાછી લેણાદેણી પણ સારી છે. આ તો દૂધમાં સાકર પડી ગણાય. તમારા મોંમાં સાકર ! બસ, વિમલ સાથે વિવાહની વાત કરવા આજે જ હું રવાના થાઉં છું. તમે મુહૂર્ત ગોતી રાખજો. મને ખાતરી છે કે, વીરમતિ મને નિરાશ નહિ કરે. વિમલની માતા વિરમતિ અને શ્રીદેવી વચ્ચે તો મા-દીકરી જેવો મીઠો સંબંધ છે.
૭૪ ૦ આબુ તીર્થોદ્ધારક