________________
કિનારા વચ્ચે જે વહે, એને પ્રેમ કોણ કહે ? જયાં પ્રેમનું પૂર હોય, ત્યાં મર્યાદાય ન હોય અને ઔપચારિકતાય ન હોય ! આથી મેં અપનાવેલું સંબોધન જ તને તારા પ્રશ્નોનું સમાધાન આપી શકે એમ છે. છતાં એ “સંબોધન ઉપર વિચાર કરવાની ધીરજનો તારી પાસે અભાવ હોય, તો તું જાણી લે કે, હું એક ભોગી ભ્રમર છું અને તારી કાયાના કમળ પર અધિકાર જમાવીને પ્રેમની પરાગ પીવા હું અત્યંત આતુર છું.
વિમલે પોતાના કાનમાં આંગળી ખોસી દેતાં કહ્યું : મારે તમારી આ બધી વાતના શ્રવણનો બહિષ્કાર કરતા પૂર્વે એટલું જણાવવું છે કે, મેં તમને “બહેન'ના બિરૂદથી જે રીતે બિરદાવ્યાં, એ સંબોધન પર તમે તમારા મનને કેન્દ્રિત કર્યું હોત, તો વિકાર અને વાસનાની બદબૂ ઓકતાં આવાં વેણ તમે કાઢી જ ન શક્યા હોત. “સંબોધન” પર વિચાર કરવાની મને શાણી સલાહ આપનારું તમારું આ ડહાપણ એથી જ તમારા ચરણે સમર્પિત કરીને મારે એટલું કહેવું છે કે- “બહેન” તરીકેના મારા સંબોધન પછી પણ તમે મારી પાસે અજુગતી જે અપેક્ષા રાખી રહ્યાં છો, એમાં તમારું ડહાપણ ડોકાય છે ખરું?
હાર્યો જુગારીની અદાથી બમણા દાવ નાખવા મેદાને પડવાની અદા અજમાવી જોવા માંગતી એ નારીને થયું કે, કાળજાને વીંધતા કામ-કટાક્ષો સામે આ ભડવીર જો ટકી શકે, તો તો માનવું જ રહ્યું કે, આ ખરો ઇન્દ્રિય-વિજેતા છે ! એથી પળ પછી જ એણે એવા નાચ-ગાન શરૂ કર્યા છે, જેનાં દર્શને ભલભલાનું હૈયું હારી જાય ! એ માનતી હતી કે, મનનું માખણ કામ-સામગ્રીની અગ્નિજ્વાળા સમક્ષ ક્યાં સુધી અણઓગળ્યું રહી શકે? પણ એ વિકારક જળ વચ્ચેય કમળની જેમ વિમલ જ્યારે વિમળ જ રહ્યો, ત્યારે એ નારી એક વાત્સલ્યમયી માતાના રૂપમાં પલટાઈ જઈને આશીર્વાદ આપતાં બોલી રહી કે,
વિમલ ! મળ-વિમળ-ભર્યા જળ વચ્ચે તું ખરેખર કમળની જેમ વિમલ જ રહ્યો ! તારી આ સદાચાર-નિષ્ઠાથી ખુશખુશાલ થયેલી હું મંત્રીશ્વર વિમલ છે ૬૯