________________
એ દિવસે વિમલ હજી આરામ કરવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં જ એના કાને નૂપુરના ઝંકાર, પાયલના સંગીત-નાદ અને કંકણના મધુર રવ સંભળાયા. એથી એ ચોકન્નો થઈને આજુબાજુ નજર ઘુમાવી રહ્યો, આજે પહેલી વાર જ બળબળતા બપોરે, આવા જંગલમાં એના કાનમાં આ જાતનો કર્ણપ્રિય ધ્વનિ પ્રવેશી રહ્યો હતો ! વળતી જ પળે વિમલની આંખે, રૂપરૂપના અંબાર સાથે સામેથી આવતી કોઈ નવયૌવના નારીને પકડી પાડી.
જંગલનું એકાંત હતું, પોતાના દેહની ડાળીએ માળો નાખીને સ્થિર થયેલી કાંતિની કોયલો દિનરાત ટહુકાર રેલાવી રહી હતી. એથી સદાચારમાં નિષ્ઠા ધરાવતો વિમલ ઊભો થઈને, આવા સંયમ-ઘાતક વાતાવરણથી દૂર જવા તૈયાર થયો. ત્યાં જ વિમલને સંબોધતી એક સ્વરાવલિ ગુંજી ઊઠી : વિમલ ! પરાક્રમથી વિક્રમ જેવા રાજવીના અવતાર તરીકે તારી કીર્તિ મેં સાંભળી છે અને મારા આગમનથી તું આમ ડરી જાય છે ! હું નેહથી નીતરતી એક નારી છું, શું મારામાં તને કોઈ રાક્ષસીનું રૌદ્ર રૂપ દેખાય છે કે, જેથી આમ પારોઠનાં પગલાં ભરી રહ્યો છે ?
વિમલ થંભી ગયો. પોતાના પરાક્રમ સામેના આ પડકારનો પ્રતિકાર કર્યા વિના તો એને ક્યાંથી ચેન વળે ? એણે પડકારની ભાષામાં કહ્યું : તમને કયા શબ્દોથી સંબોધન કરવું, એ મારા માટે મૂંઝવણનો વિષય છે. છતાં મારું સૌજન્ય અને મારો સદાચાર હું ન ચૂકી શકું ! એથી જ બહેન તરીકે તમને બિરદાવીને પૂછું છું કે, આવી મર્યાદાહીને વાત કરવા દ્વારા મારા પરાક્રમને પડકારનારા અબળા છતાં સબળા તમે કોણ છો, એ પહેલા મને જણાવશો, તો તમારા પ્રશ્નોના બધા જવાબો આપવાની મારી પૂરી તૈયારી છે ! તેજ-તેજના અંબારસમી એ નારીનું યૌવન વધુ અંગડાઈ લઈ રહ્યું. એની વાણીમાં મોહમૂલક મૃદુતા વધુ પ્રમાણમાં વિલસી રહી. એણે મર્યાદાની પાળના પાયામાં પ્રહાર કરતો જવાબ વાળ્યો : મર્યાદા અને ઔપચારિકતાના બે
૬૮ આબુ તીર્થોદ્ધારક