________________
એ કાળે આરાસણ-કુંભારિયા જેમ આરસની ખાણો માટે વિખ્યાત હતું, એમ ત્યાં જેમનાં બેસણાં હતાં, એ અંબિકાદેવીના ધામ તરીકેય એ ઠીક ઠીક પ્રસિદ્ધ હતું. એ નેમિનાથ પ્રભુના તીર્થ તરીકે તો એ ખૂબ જ સુપ્રસિદ્ધ હતું. ત્યારે ત્યાં અંબિકાદેવી હાજરાહજૂર એક શક્તિ તરીકે વિલસી રહ્યાં હતાં. શ્રી નેમિનાથ ભગવાનના શાસનની અધિષ્ઠાયિકા આ દેવી જેની પર રીઝતાં, એના ઘરે ધર્મ અને ધન એકબીજાની સ્પર્ધા કરવા પૂર્વક વૃદ્ધિ પામતાં રહેતાં. પ્રારબ્ધના દેવને રીઝવવામાં માનનારા સામાન્ય માણસો કોઈ આવી દૈવી-શક્તિની કૃપા મેળવવા દિનરાત એ શક્તિની પૂંઠે ફરતા રહેતા. પણ પુણ્ય સાપેક્ષ પુરુષાર્થમાં વિશ્વાસ મૂકનારા અસામાન્ય માણસો પર કૃપાનો શક્તિપાત કરવા આવી દૈવીશક્તિ સામેથી સજ્જ રહેતી અને આવી વ્યક્તિ પર કૃપા વરસાવીને પાત્ર-પ્રસાદી આપ્યાની પ્રસન્નતા અનુભવતી.
અંબિકાદેવીને એક વાર થયું કે, કોઈ એવી શક્તિ પર શક્તિપાત કરું કે, જેથી જૈનશાસનનો જયજયકાર થઈ જાય. એથી પોતાને પ્રાપ્ત થયેલા જ્ઞાનના પ્રકાશમાં એમણે આવી કોઈ વ્યક્તિને ખોળી કાઢવાનો પ્રયાસ કરી જોયો, તો વિમલ પર એમની દૃષ્ટિ ઠરી. એમને થયું કે, જો વિમલ પર કૃપા વેરવામાં આવે, તો આ જગતમાં સ્વ-પર ઉપકારની એક એવી ધર્મગંગા વહી નીકળે કે, એ વહેણ વર્ષોનાં વર્ષો સુધી વહેતાં રહીને, કેટલાય માનવોની તૃષા ઠારવાનો ઉપકાર કરતા રહે !
અંબિકાદેવી જે વિમલ પર પ્રસન્નતાનો પ્રકાશ પાથરવા ઇચ્છતાં હતાં, એની ધાર્મિક-અણનમતા પર એમને પૂરો વિશ્વાસ હોવા છતાં એનું પારખું કરીને એઓ વધુ વિશ્વસ્ત થવા માંગતાં હતાં. એથી નવયૌવના કોઈ નારીનું રૂપ ધારણ કરીને એઓ ભટેવર ગામની એ સીમમાં અવતર્યા, જ્યાં વિમલ એકલો-અટૂલો આવીને બેઠો હતો. વિમલ આ રીતે ઘણી વાર પોતાના મામા ઢોર ચરાવવા આવતા, ત્યારે એમની સાથે આવતો અને બપોરે કોઈ વડલાના વિસામે આરામ કરતો. મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૭