________________
નજરોનજર નિહાળવાની જાગેલી ઉત્કંઠાને પૂર્ણ કરવા કાજે કાપેટિકનો (સંન્યાસી જેવો) વેશ ધારીને પાટણ જવાનું નક્કી કર્યું.
સોમેશ્વરથી થોડા જ દિવસોમાં વેશપરિવર્તન કરીને રાજ પાટણ આવ્યો. રાજમાર્ગે થઈને એ આગળ વધી રહ્યો હતો, ત્યાં જ સામેથી અશ્વસવારી કરીને આવતા સામંતસિંહ એની નજરે પડ્યા. એ અશ્વ અજબગજબનો હતો, તો એની પર સવારી કરતા સામંતસિંહ પણ કંઈ કમ ન હતા, રાજની આંખ એમને ધરાઈ ધરાઈને નિહાળી રહી. થોડી પળો પસાર થઈ અને રાજે એક દશ્ય જોયું, તો એના મોંમાંથી એક સિસકારો નીકળી ગયો. સામંતસિંહ ઘોડા પર જે રીતે ચાબુક ચલાવતા હતા, એ જોઈને રાજનું હૈયું વેદના અનુભવી રહ્યું.
સામંતસિંહની નજર જ્યારે રાજ પર પડી, ત્યારે એ સિસકારો નાખી રહ્યો હતો. પરિવર્તિત વેશ હોવા છતાં “સૂર્ય છિપે નહિ બાદલ છાયો” જેવી પરિસ્થિતિ હતી. એથી સામંતસિંહે રાજને પૂછ્યું : લાગી છો પરદેશી-કાર્પટિક જેવા ! પરંતુ મને જોઈને આમ સિસકારો કેમ નાખ્યો ?
રાજે જવાબ વાળ્યો : આપે આ અશ્વ પર જે ચાબુક વીંઝી, એનો માર મને લાગ્યો, એથી મારા મોંમાંથી સિસકારો નીકળી ગયો!
સામંતસિંહનું આશ્ચર્ય પ્રશ્ન પૂછી બેઠું તમે કેવી વાત કરો છો? ઘોડા પર વીંઝેલી ચાબુકનો ભાર તમને કઈ રીતે વાગે ? તમે તો દૂર દૂર ઊભા છો ! - રાજ રોકડો જવાબ આપ્યો : સાંભળો, રાજન્ આ એક ઉત્તમ જાતિનો અશ્વ છે. આની ગતિમાં જરાય ખામી કે મંદતા નહોતી, છતાં આપે વિના વાંકે આની પર ચાબુક વીંઝી. એથી મારા મર્મ પર ચોંટ લાગે, એ સ્વાભાવિક છે. કયા ઘોડાને મરાય, કયાને ન મરાય, એનું પણ એક મોટું શાસ્ત્ર છે !
૪૮ ૯ આબુ તીર્થોદ્ધારક