________________
બીજું તો કંઈ નહિ, પણ તમને આપણા વંશની અપકીર્તિનો વિચાર પણ ન આવ્યો ? અત્યારે બીજાં બીજાં રાજ્યો ગુજરાત એટલે ચાવડાઓનું નહિ, ચોરોનું રાજ્ય ! આમ કહીને આપણા પૂર્વજોની કીર્તિને કલંકિત બનાવવા આદુ ખાઈને મેદાને પડ્યા છે, ત્યારે તમે ચલાવેલી આ લૂંટથી એ રાજ્યોને આપણી આબરૂને ધૂળધાણી કરવાનો કેવો પ્રબળ મોકો મળી જશે ? તમારાથી આજે એવું મોટું પાપ થઈ ગયું છે કે, એ પાપના અંગારા મને બાળીને ભડથું બનાવ્યા વિના નહિ રહે. વધુ તો કંઈ કહેવાનું નથી, હવે આવી ભૂલ બીજી વાર ન થાય, એ માટે જાગ્રત રહેશો, એવી મારી ભારપૂર્વકની ભલામણ છે.
મહત્ત્વની વાત પૂરી કરીને પોતાના મનમાં ઘોળાતી વ્યથાઓએ જે નિર્ણય લેવા યોગરાજને પ્રેરિત કર્યા હતા, એની જાણ કરતાં એમણે કહ્યું: રાજાશાનો ભંગ, સેવકની વૃત્તિનો છેદ અને નારીને અલગ શય્યા પર સૂવાનો આદેશ : આ ત્રણે શસ્ત્ર વિનાની હત્યા છે, એમ નીતિશાસ્ત્ર કહે છે. આ કથન મુજબ મારી હત્યા તો થઈ ચૂકી છે. એથી મારા નિપ્રાણ જેવા આ ખોળિયાને અગ્નિસ્નાન કરાવવાનો અફર નિર્ણય મેં લઈ લીધો છે.
આમ, કહીને પુત્રના પાપનું પ્રાયશ્ચિત્ત કરવાની પૂર્વતૈયારી રૂપે દેવપૂજા, મંત્રપાઠ આદિ આદિ કરીને, સમગ્ર પાટણની અસંમતિને પગ તળે કચડીને, યોગરાજ અગ્નિશયામાં આરામથી સૂઈ ગયા. એમના દેહને તો એ અગ્નિએ બાળી નાખ્યો, પણ એમની ન્યાયનિષ્ઠાની કીર્તિનું કાંચન એ જ્વાળાઓમાં વધુ ઉજ્વળ બનીને બહાર આવ્યું. એ કીર્તિ-કાંચનના ઝગારા પર કાટ ચડાવવા કાળ હજી આજેય સમર્થ નથી નીવડી શક્યો.
યોગરાજની ન્યોચ્છાવરીભરી શહીદી પછી પાટણની રાજગાદી પર એમનો પુત્ર ક્ષેમરાજ અભિષિક્ત થયો, એનું રાજ્ય ૨૫ વર્ષ ચાલ્યું.
૪૬ આબુ તીર્થોદ્ધારક