________________
આશ્ચર્ય એ વાતનું હતું કે, સૂર્ય નમી રહ્યો હતો, છતાં એ ઝોળીની આસપાસના પ્રદેશ ઉપર તડકો પડતો ન હતો, જાણે કોઈ અદશ્ય હાથ, અદશ્ય છત્ર લઈને તડકાથી એ બાળકનું રક્ષણ કરી રહ્યા હતા.
શ્રી શીલગુણસૂરિજી આ આશ્ચર્ય જોઈને ઊભા રહી ગયા, એઓ એ ઝાડ પાસે પહોંચ્યા અને એમણે પૂછવા માંડ્યું કે, આ બાળકનું નામ શું છે ? અને આવા ભરજંગલમાં તમારે શા માટે વસવાનો વખત આવ્યો છે ?
જૈન સાધુની રહેણીકરણી પર ત્યારે સૌને અખૂટ વિશ્વાસ હતો. એથી પેલી જાજરમાન નારીને થયું કે, આમની આગળ બધી વાત કરવામાં જરા પણ ગભરાવા જેવું નથી ! સુખોની સ્મૃતિમાં જેમ હૈયાને હર્ષથી ભરી દેવાની તાકાત હોય છે, એમ દુઃખોની યાદ દિલને દર્દથી ભરી મૂકવા સમર્થ હોય છે. એથી દિલને જરા મજબૂત બનાવીને પેલી સ્ત્રીએ પોતાની વીતક કહેવાનો પ્રારંભ કર્યો.
“મહારાજ ! મારી વીતક ખૂબ લાંબી છે, એટલું જ નહિ, એની ગુપ્તતા પર ગુર્જર રાષ્ટ્રની ભાવિ ભવ્યતા પણ આધારિત છે. પરંતુ આપના જેવા સંસારત્યાગી આગળ હૈયું ખોલવામાં શો વાંધો ? માટે આપ જરા નીચે બિરાજો, તો હું શાંતિથી દિલનાં દ્વાર ખોલીને બધી વેદના વ્યક્ત કરી શકું !'
શ્રી શીલગુણસૂરિજીએ એક ઝાડની નીચે પોતાનું આસન બિછાવ્યું. આ રીતે એક નોંધારી નારી સાથે વાતચીત કરવી, એ શ્રમણનો ધર્મ નહોતો. પણ એઓ તો ચૈત્યવાસના સંસ્કારને વરેલા હતા. એથી એમણે કહ્યું : જે હોય, એ ખુલ્લા દિલે કહી નાખજો. તમે એટલું નક્કી માનજો કે, તમારી વેદનાનું આ પ્રકટીકરણ, જળ માટે આષાઢી મેઘ તરફ મીટ માંડતા ચાતક જેવું સફળ નીવડશે !
પ્રૌઢ વય હોવા છતાં જેની દેહની ડાળીએ કાંતિની કોયલો પંચમ સ્વર આલાપી રહી હતી, એવી એ નારીએ કહેવા માંડ્યું;
મંત્રીશ્વર વિમલ
૨૭