________________
રાણી રૂપસુંદરીને શોધવા કનોજના સૈન્યે ખૂબ ખૂબ મહેનત કરી, કારણ કે એની કૂખે ઘડતર પામી રહેલી કોઈ શક્તિની ભાળ રાજા ભૂવડને મળી ચૂકી હતી, પણ મંત્રીઓએ એવી કુશળતાથી રાણીની સુરક્ષાનો વ્યૂહ ઘડી કાઢ્યો હતો કે, પંચાસરની નજીકના પ્રદેશમાં જ રૂપસુંદરીના વસવાટ હોવા છતાં કનોજના સૈન્યને એની ગંધ પણ ન આવી અને ગુર્જર રાષ્ટ્રનો એ ઘડવૈયો હેમખેમ બચી જવા પામ્યો.
‘ચૈત્યવાસ'ની બોલબાલાનો એ પણ એક યુગ હતો. વિક્રમની આઠમી સદીનો ઉત્તરાર્ધ જેમ જેમ આગળ વધતો ગયો, એમ એમ ‘ચૈત્યવાસ જાણે ઘરવાસ'નું વધુ ને વધુ વિકૃત રૂપ પકડવા માંડ્યો હતો. ચૈત્યવાસની પરંપરામાં થયેલ કેટલાક આચાર્યો શક્તિશાળી હતા, એટલે રાજાઓ, મંત્રીઓ વગેરેને ભક્ત બનાવીને એ એ રાજાઓની રાજ્યહદમાં સુવિહિત સાધુઓ આવી પણ ન શકે, એવી હદબંધી કરાવવામાં એઓને સફળતા મળતી હતી.
ભગવાન શ્રી મહાવીરદેવના શ્રમણ સંઘમાં વિ. સં. ૪૭૨ સુધી વનવાસની મર્યાદા બરાબર સચવાઈ રહી. ચાંદ્રકુલના પૂ. આચાર્યદેવ શ્રી સમંતભદ્રસૂરિજીનો ગચ્છ વનમાં વસીને તપ-જપ કરતો હોવાના કારણે જ ‘વનવાસી-ગચ્છ' તરીકે પ્રસિદ્ધિ પામ્યો, ત્યારે નાગેન્દ્ર, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધરકુલ આદિના અને શ્રમણો વનમાં વસ્યા હતા અને એકાંતમાં અનેરી આત્મસાધના કરવા દ્વારા જૈન શાસનની જાહોજલાલી વધારવામાં નિમિત્ત બન્યા હતા. પણ વિ. સં. ૪૭૨ પછી આ પરિસ્થિતિમાં ધરખમ પલટો આવ્યો અને ચૈત્યવાસ એટલે કે નગરમાંઉપાશ્રયમાં વસવાનું શરૂ થયું. ચૈત્યવાસનો આ પ્રારંભ ત્યારે સાવ ‘મઠવાસ’ કે ‘ઘરવાસ’ જેવો બન્યો ન હતો, ચૈત્ય એટલે કે ઉપાશ્રયમાં વસવા છતાં ત્યારનો સાધુસંઘ સતત વિહારી રહ્યો હતો, પણ ધીમે ધીમે વિહાર બંધ થવા માંડ્યો અને ‘ચૈત્યવાસ’ વધુ દૂષિત બનવા માંડ્યો.
૨૪ ૨ આબુ તીર્થોદ્ધારક