________________
જેવી જ છે એમ ‘વિસલવસહી’ની ઉપમા ન જડતાં આજેય દર્શક અહોભાવથી એવા ઉદ્ગાર કાઢે છે કે, વિમલવસહી તો વિમલવસહી જ છે !
‘વિમલવસહી’ના યાત્રિક-દર્શકની બીજી પણ એક સ્વાનુભૂતિ સાંભળવા જેવી છે. ‘વિમલવસહી’નો દર્શક આજેય આના સર્જકનું નાસ્તિત્વ સ્વીકારવા કબૂલ નથી થતો, દંડનાયક વિમલનું કાયા રૂપે અનસ્તિત્વ વ્યક્ત કરવા કરતાં એ દર્શક ‘વિમલવસહી’ના કૃતિત્વ રૂપે કીર્તિદેહે દંડનાયક વિમલનું અમર અસ્તિત્વનું ગાન ગાતા ગેલમાં આવી જાય છે. એથી જ ‘દંડનાયક શ્રી વિમલ’ના આ વાર્તા-વિહારના ઉપસંહાર રૂપે, આબુના તીર્થોદ્વારના એ સર્જક આજે નથી, પણ એમનું સર્જન આજેય એટલું જ સુવાસિત છે, આમ લખવા કરતાં એવું લખવું વધુ સાર્થક અને વધુ બંધબેસતું લાગે છે કે, દંડનાયક વિમલના અસ્તિત્વ-કાળ પછીય એમને વધુ ને વધુ પ્રભાવક તરીકે પ્રસિદ્ધ કરવા સમર્થ બનતા એમના કીર્તિદેહને જ્યાં સુધી ‘વિમલવસહી’ની એક પણ દેરી અસ્તિત્વ ધરાવતી હશે, ત્યાં સુધી કાળના ગમે તેવા ઝપાટા જર્જરિત તો શું, ચલિત પણ નહિ બનાવી શકે ! કારણ કે આ ‘વિમલવસહી’ તો વિમલવસહી જ હતી, છે અને રહેવા પામશે !
‘વિમલવસહી' માંથી પ્રેરણા લઈને આ પછીથી જૈન તીર્થ તરીકેની આબુની પ્રતિષ્ઠામાં વધારો કરતાં સર્જનોની સરવાણી સદીઓ સુધી વહેતી જ રહી. ગુર્જરેશ્વર ભીમદેવ બીજાના કાળ દરમિયાન સુપ્રસિદ્ધ બાંધવ બેલડી મંત્રીશ્વર વસ્તુપાળ-તેજપાળે વિ.સં. ૧૨૮૭માં ‘લૂણવસહી’નું નિર્માણ કરાવ્યું. વિ. સં. ૧૩૭૩ થી વિ.સં. ૧૪૮૯ સુધીનાં વર્ષોમાં ગુર્જર જ્ઞાતીય શ્રી ભીમાશ્રેષ્ઠી દ્વારા ‘પિત્તલહર'નું નિર્માણ થયું. વિ.સં. ૧૫૧૫ની આસપાસ ‘ખરતરવસહી’નું નિર્માણ થયું. આબુ-દેલવાડાનાં આ મંદિરો સિવાય, આબુ-ઓરિયા અને આબુઅચલગઢ પણ આ પછી મંદિરાવલિથી મંડિત બન્યું, જેમાં ગુર્જરેશ્વર કુમારપાલ ભૂપાળ દ્વારા સર્જિત એક મંદિરનોય સમાવેશ થાય છે.
આબુ તીર્થોદ્ધારક
૨૭૬