________________
આ નિર્માણનો તો વૈભવ જ વર્ણવી શકાય, એવો નહોતો ! ધરતી, સોનાના સાટે ખરીદાઈ હતી ! આરસપહાણની શિલાઓ, હાથીના હોદ્દે બેસીને ઠાઠમાઠ સાથે આબુ ઉપર આવતી હતી ! નાનામોટા પથ્થરો, રૂપાચાંદીના મૂલે એ સર્જન-ભોમ પર પધારતા હતા, ઘર કરતાં સવાઈ સગવડો માણતા સેંકડો શિલ્પીઓ અને હજારો મજૂરો એવા ઉત્સાહ સાથે નિર્માણ-કાર્ય કરી રહ્યા હતા કે, દર્શકોને એમ જ લાગતું કે, આ બધા જાણે પોતપોતાના ઘરને વહાલથી ચણી રહ્યા છે !
શિલ્પીઓનાં ભાગ્ય ઊઘડી ગયાં હતાં, મજૂરોનાં દળદર ફીટી રહ્યાં હતાં. અને આબુની એ ગિરિભોમ દિન-દિન ચડતા રંગ પામી રહી હતી. બીજે જે નિર્માણ-કાર્યને આગળ વધવા અઠવાડિયુંય ઓછું પડતું, એ નિર્માણ અહીં એક દિવસમાં તૈયાર થઈ જતું! કારણ કે બધા કારીગરો પોતાનું લોહી રેડીને પોતાના પહેલા નવજાત શિશુની અદાથી આ નિર્માણને ઉછેરી રહ્યા હતા.
એ નિર્માણમાં જે નિષ્ઠા-તત્ત્વ નૃત્ય કરી રહ્યું હતું, એ દર્શનીય હતું. દંડનાયકે ઉદારતા અને આત્મીયતાથી સૌનો સ્નેહ એ રીતે જીતી લીધો હતો કે, કોઈ મજૂર ઇંટો ગોઠવતો હોય, કોઈ કારીગર પથ્થર પર કસબ અજમાવતો હોય, કોઈ શિલ્પી પોતાના ટાંકણાથી કોઈ સૌંદર્યસૃષ્ટિ આરસમાં ઉપસાવતો હોય, આ બધામાં રસ અને એકતાનતાની એક એવી લાગણીનો અખંડ તાર જળવાયેલો જોવાતો કે, આ બધા કાર્યનો સરવાળો શિલ્પ અને સૌંદર્યના અજોડ સર્જનમાં સમાપ્ત થતો.
કાગળ કે મીણ જેવા પોચા પદાર્થો પણ ન ઝીલી શકે, એવી સૂક્ષ્મ કોતરણી આરસમાં અવતરવા માંડી. એ આરસનો કોઈ ભાગ એવો નહોતો રહેતો કે, શિલ્પીનાં નાનાં-મોટાં ટાંકણાંનો જેને સ્પર્શ ન મળ્યો હોય ! જેના કારણે આરસની એ આલમમાં એવા સાગરો ને એવી સરિતાઓ, એવા કલ્પતરુઓ ને એવાં કમળવનો, એવાં વૃક્ષો ને એવી મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૭૧