________________
દશમી પાટે થયેલા શ્રી સુસ્થિતાચાર્ય અર્બુદાચલથી અષ્ટાપદજી તીર્થની યાત્રાએ ગયા હોવાનો શાસ્ત્રલેખ ઉપરાંત શ્રી પાદલિપ્તાચાર્ય આકાશગામિની વિદ્યા દ્વારા જે પાંચ તીર્થોની રોજ યાત્રા કરતા હતા, એમાં એક તીર્થ તરીકે અબુદાચલનો પણ ઉલ્લેખ ઉપલબ્ધ છે. પ્રભુની ૩૩મી પાટે થયેલા વડગચ્છ સ્થાપક પૂ. આ. શ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજ વિ. સં. ૯૯૪માં આબુની યાત્રાર્થે પધાર્યા હતા. આ બધા પુરાવાઓના આધારે એમ કહી શકાય કે, વિ. સં. ૯૯૪ પછીના ગાળામાં ક્યારેક આબુ ઉપરનાં જિનમંદિરોનો નાશ થઈ જતાં, એનું જૈનતીર્થત્વ લોકોના માનસપટલ પરથી ભૂંસાઈ જવા પામ્યું હોય !
શાસ્ત્રલેખો અને શિલાલેખોમાં સુરક્ષિત હોવા છતાં જનમાનસમાંથી ભુલાઈ ગયેલી આબુની જૈનતીર્થ તરીકેની પ્રતિષ્ઠાની પુનઃ સ્થાપના (વિ. સં. ૧૦૮૮ માં) ઉપરાંત તીર્થોદ્ધારનું મહાપુણ્ય ઉપાર્જન કરવાના કોઈ ભાગ્યસૌભાગ્યનો જ જે સદેહે અવતાર ગુજરાતમાં થયો, એ અવતારને જે નામ મળ્યું, એને શોભાવનારી અક્ષરાવલી હતી : દંડનાયક શ્રી વિમલ !
યોગીઓ માટે યોગભૂમિ અને ભોગીઓ માટે ભોગભૂમિ ગણાતા આબુનાં, સમુદ્રીય સપાટીથી ૪ હજાર ફૂટની ઊંચાઈ ધરાવતાં એ શિખરો ઉપર ભવજલતારક નામની મોટી અનેક નાવડીઓને તરતી મૂકવાનું સ્વપ્નદૃષ્ટા શ્રી વિમલનું સ્વપ્ન અનેરા કોઈ ઠાઠમાઠ સાથે અને અનોખી કોઈ ચહલ-પહલ સાથે આશ્ચર્યકારી ઝડપથી સાકાર થઈ રહ્યું હતું. સમુદ્રની સપાટી પર નાવડીઓ તરતી મૂકવાનું કાર્ય પણ સહેલું નથી હોતું, ત્યારે દંડનાયક તો સમુદ્રની સપાટીથી ચાર હજાર ફૂટની ઊંચાઈએ પથ્થરની એવી નાવડીઓ તરતી મૂકવા કૃતનિશ્ચયી હતા, જે ભવસાગરને તરવાનું અમોઘ સાધન બની જાય !
ભવસાગરને તરવા નયા બની જાય, એવાં એ મંદિરો કોઈ અનેરા વૈભવ વચ્ચે શિલ્પદેવના હાથ હેઠળ નિર્માણ પામી રહ્યાં હતાં.
૨૭૦ આબુ તીર્થોદ્ધારક