________________
અનીતિથી યુદ્ધ નહિ કરવાની મારી દૃઢ નિષ્ઠા છે. તમે નીચે ઊભા હો અને હું ઘોડે ચઢીને લડું, એ અનીતિ ગણાય. તમે ત્રણ છો અને મારી પાસે બાણ પાંચ હતાં, એથી કદાચ ભાગ્યયોગે મારું એકાદ બાણ નિષ્ફળ જાય, અને બીજી વાર કદાચ બાણ છોડવા મારું મન લલચાઈ જાય, તો પ્રતિજ્ઞા-ભંગ થાય. આ બે કારણોસર હું ઘોડા પરથી નીચે ઊતરી ગયો, તેમજ બે બાણ મેં ભાંગીને ફેંકી દીધાં.
લૂંટારાઓ માટે તો આ બધો જૂની આંખે નવો તમાશો હતો. આ વાણિયો એમને કોઈ જુદી જ માટીનો લાગ્યો, એથી પડકારની ભાષા પડતી મૂકીને પ્રેમની બોલીનો આશરો લેતાં એમણે પૂછ્યું : તને શું તારી જાત અને જવાંમર્દી પર આટલો બધો વિશ્વાસ છે? શું તારાં ત્રણ બાણથી અમે ત્રણે વીંધાઈ જ જઈશું? અમારે તારું પારખું કરવું છે, તું ખરેખર જો આવો જ બાણાવળી હોય, તો સામે આકાશમાં ઊડતા પેલા પંખીને બાણ મારીને પટકી બતાવ, તો અમે માનીએ કે, તું ખરેખરો બાણાવળી છે !
ધર્મને ધક્કે ચડાવીને આબરૂ મેળવવાની ઘેલછા એ વણિકમાં નહોતી, એણે રોકડો જવાબ વાળ્યો કે, એ પંખીએ મારો શો અપરાધ કર્યો છે કે, એને હું બાણથી વીંધું ! મારે તો તમારી સામેય લડવું નથી, પણ તમે લડવાની ફરજ પાડો છો, એટલે નછૂટકે મારે ધનુષબાણ પર હાથ મૂકવો પડે છે ! મારી બાણ-શક્તિની પરીક્ષા તમારે કરવી જ હોય, તો એક નિર્દોષ રસ્તો છે. લો, આ મારી મોતીની માળા ! આ માળા લઈને તમારામાંનો એક માણસ મારી નજર પહોંચે, એટલે દૂર જઈને ઊભો રહે. પછી પોતાના માથા પર એ આ માળા મૂકી દે. હું અહી ઊભા ઊભા મારું બાણ એવી રીતે મૂકીશ કે, એ માણસનો એક વાળ પણ વાંકો ન થાય ને મારું બાણ એ માળાને લઈને આગળ વધી જાય.
લૂંટારાઓના આશ્ચર્યને અવધિ ન રહી. આ પ્રયોગ જોખમી હતો, છતાં એમાંનો એક લૂંટારો તૈયાર થઈ ગયો. એ માળા લઈને દૂર જઈને
૧૯ ૬ આબુ તીર્થોદ્ધારક