________________
વિમલનું જાણે કલ્પના-દર્શન કરી રહ્યા કે, જેની પત્ની જો આટલી ઉદાર અને વાત્સલ્યથી ભરપૂર છે, તો એનો પતિ દંડનાયક તો ન જાણે કેવો હશે? આવી જાતની કલ્પનામાં ને કલ્પનામાં એઓએ થોડીક મીઠીનીંદ માણી, થોડી ઘડીઓ પછી એઓ ઊઠ્યા, તો એ ચંદ્રાવતીની શોભા બતાવવા લઈ જવા રથ આદિ વાહનો તૈયાર જ હતાં. સૌ વાહનોમાં બેસીને ચંદ્રાવતી જોવા નીકળ્યા. એક એકથી ચડિયાતાં જિનમંદિરો, એક ને જુઓ ને બીજાને ભૂલો એવાં બજારો, રૂપ-રંગ અને સંપત્તિથી અરસ-પરસની સ્પર્ધા કરતા મહેલો અને સંસ્કાર, સંપત્તિ તેમજ ધર્મથી સમૃદ્ધ પ્રજાનું પગલે પગલે દર્શન મેળવીને ચારણો જ્યારે વિમલના મહેલે પાછા આવ્યા, ત્યારે જાણે સ્વર્ગની સફર માણી આવ્યાનો આનંદ એમના અંગેઅંગમાંથી છલકાઈને નીચે વેરાઈ રહ્યો હતો.
થોડી વાર થઈ ને આમંત્રણ આવ્યું : સરસ્વતીપુત્રો ! જમવા પધારો. રસોઈ તૈયાર છે. સૂર્યાસ્ત પૂર્વે જ ચોકા ચોખ્ખા થઈ જતા હોવાથી હું આપને અત્યારે તેડવા આવ્યો છું. ચારણ સંઘનું આશ્ચર્ય વધતું જતું હતું. એ બધા વિચારી રહ્યા : કેવો વિવેક, કેવી ધર્મનિષ્ઠા અને ઉદારતાનાં તો વળી લેખાં-જોખાં જ થાય એવાં ક્યાં છે ?
સાંજનું ભોજન પતાવીને એ ચારણો મહેલના વિસ્તારમાં રહેલા બગીચામાં થોડી વાર ટહેલી આવ્યા. ત્યાર બાદ શ્રીદેવી આદિ સાથે થોડો વાર્તા-વિનોદ માણીને એઓ પથારીમાં આડા પડ્યા. શયનખંડ અને પથારીઓની સજાવટ જ એવી હતી કે, પથારીમાં પડતાંની સાથે જ ઊંઘ આવી જાય. ચારણોની જ્યારે આંખ ખૂલી, ત્યારે હોંર ફાટવાની તૈયારી હતી. એમના શરીરમાંથી દિવસોનો થાક અદશ્ય થઈ ગયો હતો ને કોઈ નવી જ તાજગીનો તરવરાટ સૌના દેહમાં વિલસી રહ્યો હતો.
સુખના દિવસો ટૂંકા હોય છે. દંડનાયક વિમલનું જ્યારે દર્શન મળ્યું, ત્યારે જ એ ચારણોને ખ્યાલ આવ્યો કે, આજે અહીં આવ્યાને ચાર દિવસ પૂરા થવા આવ્યા. વિમલના દર્શને એઓ ધન્ય બની ગયા. દંડનાયકની છાતી જાણે વીરતાને ક્રીડા કરવાનું મેદાન હતી, એમનું
૨૬૬
આબુ તીર્થોદ્ધારક