________________
મુખકમળ જાણે સરસ્વતીનું નિવાસસ્થાન હતું. એમના આજાનુબાહુમાં વાત્સલ્યની સાથે વીરતા વિલસી રહી હતી. આવા દિવ્ય દર્શનથી મુગ્ધ બની ઊઠેલા ચારણોએ કહ્યું :
દંડનાયક વિમલ ! આપની કીર્તિ-ગાથાઓનું શ્રવણ અમને છેક દૂર-દૂરથી અહીં ખેંચી લાવ્યું છે. પણ આપનાં દર્શને એમ લાગે છે કે, આ ચિર પ્રવાસ લેખે લાગ્યો છે. “નામ મોટાં અને કામ ખોટાં આવી અનેક સ્વાનુભૂતિઓને તમે આજે ખોટી પાડી છે. અમને એમ લાગે છે કે, આપનાં નામ જો મોટાં છે, તો કામ એથીય વધુ મોટાં છે ! ખરેખર ગુજરાત તો ગુજરાત છે ! જેની ભૂમિએ આપના જેવા નરરત્નોને જન્મ આપ્યો, એ ગુજરાતનું ગૌરવ ગાતાં અમારી જીભ હવે થાકશે નહિ.”
દંડનાયક વિમલે કહ્યું : સરસ્વતીપુત્રો ! તમે અહોભાવભર્યા આ જે શબ્દો ઉચ્ચાર્યા છે, એને વધુ ને વધુ સાર્થક બનાવવાનું બળ ગુજરાતને મળ્યા કરો, એવી પ્રાર્થના સાથે મારી એક વિનંતી કે, તમે બધા આટલે સુધી આવ્યા છો, તો હજી થોડાક વધુ દિવસ રોકાઈ જઈને આબુની ગિરિભોમ પર ચાલી રહેલા તીર્થોદ્ધારના કાર્યને એક વાર જાતે જોતા જાવ.
ચારણો દંડનાયકની આ વિનંતીને ઠુકરાવી ન શક્યા, એઓ જ્યારે આબુ તરફ વિદાય થયા, ત્યારે મૂલ્યવાન પહેરામણીઓથી એમનો સત્કાર કરતાં દંડનાયકે કહ્યું : ફૂલ નહિ ને ફૂલની આ પાંખડી સ્વીકારીને પછી પ્રયાણ કરવા વિનંતી !
ચારણોના સંઘને આ વિનંતી સ્વીકારવી જ પડી. એઓ જ્યારે આબુની એ ગિરિભોમ પર જઈ ઊભા, ત્યારે એમની આંખમાં જાણે આશ્ચર્ય અને અહોભાવનો એક આખો દરિયો જ ઘૂઘવી રહ્યો હતો. હજારો કારીગરો જે રીતે આરસની નગરીનું નવનિર્માણ કરી રહ્યા હતા, એનું વર્ણન કરવા એમની પાસે શબ્દો નહોતા.
મંત્રીશ્વર વિમલ
26 ૨૬૭