________________
વિમલના અંગેઅંગમાં આગ લાગી ચૂકી : નામ દેવનું અને કામ આવું દાનવનું ! છતાં આ આગને દાબી દઈને વિનયાવનત બની વિમલે કહ્યું : હું તો એટલું જ સમજ્યો છું કે, દેવ તો વાસનાના ભૂખ્યા હોય, એથી બલિબાકળાથી જ એ પ્રસન્ન થઈ જાય.
વાલીનાહે ભ્રૂકુટિ ચડાવીને અને પગ પછાડીને પ્રશ્ન કર્યો : એટલે લોહી-માંસની માંગણી કરનારો હું દાનવ છું, એવો જ તમારો આક્ષેપ છે ને ?
વિમલે સણસણતો જવાબ આપ્યો : જો લોહી-માંસ જ તમને ખપતા હોય, તો તમે એક વાર નહિ, હજાર વાર દાનવ છો. બોલો, આ આરોપની સામે તમે કયું બચાવનામું રજૂ કરવા માંગો છો ? મારા પક્ષે તો ત્રણ ત્રણ મહાદેવીઓનું બળ પીઠબળ રૂપે હાજરાહજૂર છે જ.
દેવીઓનું નામ પડતાં જ વાલીનાહ પાછો જરા ગભરાઈ ગયો, પણ વિમલની વીરતાનું પાણી માપી લેવાની આ તકને વધાવી લેતાં એણે કહ્યું : શું તમે બલિબાકળા જેવી સામાન્ય ચીજોના સાટામાં મારી મહાકીમતી પ્રસન્નતા ખરીદવાના વાણિયાવેડા કરવા માંગો છો ? એથી લોહી અને માંસ જેવું કીમતી મૂલ્ય ચૂકવવા તમે દરિદ્ર છો, એમ જ મારે માનવું રહ્યું ને ?
‘ના, ના, જરાય નહિ, વાલીનાહ ! તમે માનો છો, એ જાતની દરિદ્રતાનો મારામાં અંશ પણ નથી, હું તો કર્તવ્યની આ કેડીએ કદમ ઊઠાવવા પૂર્વે કેસરિયાં કરવાની, કુરબાનીનું કંકુ ઉછાળીને જ નીકળ્યો છું. આ કાજે મોતને મુઠ્ઠીમાં લઈને નીકળેલો હું લોહી અને માંસથી તમને તર્પણ કરવા તૈયાર છું, પણ મારું એ તર્પણ તમને ભારે પડશે, મારી એ પૂજા તમે સહી નહિ શકો; એવો મને વિશ્વાસ છે. કેમ કે હું પૂર્વે જણાવી જ ગયો છું કે, દેવીત્રયીનું કૃપાછત્ર મારા માથે છે !'
“એટલે ?” વાલીનાહનો આ પ્રશ્ન ઘણા ઘણા પ્રશ્નોનું એક ઝૂમખું જ હતું. એનામાં ભડકા જેવી ભયાનકતા હતી, બાણ જેવી તીક્ષ્ણતા હતી અને ઝેર જેવી મારકતા હતી.
૨૫૮
આબુ તીર્થોદ્ધારક