________________
વિમલને ખ્યાલ આવી ગયો કે, આ કોઈ ક્ષેત્રદેવતા જ હોવો જોઈએ ! છતાં આ દેવશક્તિને એક વાર ડારી દઈને, પછી એની આગળ નમ્ર બનવાનો બૃહ મનમાં ઘડી લઈને એમણે સામો પડકાર ફેંક્યો : આ કંઈ બોડી બામણીનું ખેતર નથી ! આ ભૂમિનો બેતાજી બાદશાહ હું છું. મેં સોનાના સાટે આનું સ્વામીત્વ મેળવ્યું છે. એથી ચોરી પર શિરજોરી કરીને, અંધારાની ઓથમાં, બીકણતાના બલૈયા અને ચલચિત્તતાના ચોળી ચણિયા પહેરનારો જે કોઈ બાયલો મારી સામે બાકરી બાંધવા માંગતો હોય, એ પળનોય વિલંબ કર્યા વિના મારા પગ પકડી લે, નહિ તો અંબિકા, પદ્માવતી અને ચક્રેશ્વરી : આ ત્રણ દૈવી શક્તિની આકૃપાની વીજળી એનો વિનાશ કર્યા વિના નહિ રહે !
દંડનાયકે આ પડકાર ફેંકીને એક એવો સિંહનાદ જગવ્યો કે, પેલી શક્તિ થરથર ધ્રૂજી ઊઠી, ત્રણ દેવીઓનું નામ સાંભળતાં એ શક્તિના પગ તો સાવ ઢીલા પડી જ ગયા હતા, એમાં વળી સિંહનાદ જગવતા વિમલની વીરતાનું દર્શન એ વેતાલને વધુ ધ્રુજાવી ગયું. પોતાની જાતને પ્રગટ કરતાં અને વિમલના પગ પકડતાં એણે કહ્યું :
“હું વાલીનાહ નામનો અહીંનો ક્ષેત્રદેવતા છું. મને પ્રસન્ન નહિ બનાવો, ત્યાં સુધી તમારા આ ચણતરને કોઈ પણ શક્તિ પડતરમાં પલટાતાં રોકી નહિ શકે.”
ચણતરમાં ભંગાણ પાડતા ભૂતની ચોટી હાથમાં આવી જતાં દંડનાયક વિમલે કહ્યું ક્ષેત્રદેવતા! પ્રસન્નતા મેળવવી હોય, તો કાલે આ જ સમયે હાજરાહજૂર થવા વિનંતી છે ! - તલવારને મ્યાનમાં મૂકીને દંડનાયક વિમલ પોતાના આવાસે આવ્યા. વાતાવરણમાં સિંહનાદના એ પડઘમ ઘડીઓની ઘડીઓ સુધી ગુંજતા જ રહ્યા !
મંત્રીશ્વર વિમલ
૨૬ ૨૫૫