________________
આંખ આગળ આશ્ચર્ય અને આઘાતને પેદા કરતું એક દશ્ય દેખાયું : પાયાની ઉપરનું એ ચણતર ભાંગી પડ્યું હતું. શિલ્પદેવે અભ્યાસની આંખે એ ભંગાણનું નિરીક્ષણ કર્યું, પણ પડવાનું કોઈ કારણ એની નજરમાં નોંધાયું નહિ. એણે માન્યું કે, ચણતરમાં કોઈ કચાશ રહી જતા આવું બન્યું હશે ! પરંતુ આવું ઉપરાઉપરી ત્રણ-ચાર દિવસ સુધી બનવા પામ્યું, ત્યારે એણે દંડનાયકને બોલાવવા તાકીદનું તેડું પાઠવ્યું.
દંડનાયક તો તનથી જ ચંદ્રાવતીમાં હતા. મન તો એમનું આબુમાં જ હતું, એથી શિલ્પદેવનું તેડું મળતાં જ એઓ મારતે ઘોડે આબુ આવ્યા. શિલ્પદેવ દ્વારા બધી પરિસ્થિતિથી વાકેફ બન્યા બાદ દંડનાયકે કહ્યું : કદાચ ક્ષેત્રદેવતાનો આ ઉપદ્રવ હોય ! આજની રાતે હું જાગીશ અને ઉપદ્રવનું મૂળ શોધી કાઢીશ. માટે આજે તમે વધારે પાકું ચણતર કરાવજો !
સાંજ સુધીમાં થોડુંઘણું ચણતર એવું પાકું ચણવામાં આવ્યું કે, એની કાંકરી ખેરવતાં પણ ભલભલાના દાંત ખાટા થઈ જાય ! સાંજ થઈ, વિમલ સાવધ થઈ ગયા, અંધારાની ઓથે એઓ તલવાર સાથે છુપાઈ ગયા. મધરાત થઈન-થઈ, ત્યાં તો વાતાવરણમાં નીરવતાનો ભંગ થવાના ભણકારા સંભળાયા અને દંડનાયક વિમલ વધુ સાબદા થઈ ગયા. થોડી જ પળોમાં એમની નજર પાયા પરના ચણતર સાથે ચેડાં કરતી કોઈ શક્તિ પર કરડી બની, એમણે સિંહનાદ કરીને રાડ પાડી :
આ ચણતર સામે ચેડાં કરનાર છે કોણ? જે કોઈ હોય, એ મારી સામે હાજર થઈ જાય !”
વાતાવરણમાં અટ્ટહાસ્યના પડઘા ગુંજી રહ્યા. એમાંથી એક પડકાર નીકળ્યો કે, એક વાણિયા સામે જે દિ વેતાલ જેવી વીરતાને ઝૂકવું પડશે, એ દિ વિરતા કોનો આશરો લેશે? મને જવાબ આપ કે, આ મારી ભૂમિ સાથે ચેડાં કરવાની ચેષ્ટા કરનાર તું વળી કઈ વાડીનો મૂળો પાક્યો છે ?
૨૫૪ % આબુ તીર્થોદ્ધારક