________________
વિશાળતા નજરે ચડે, એવી ધરતી પસંદ કરવા પાછળ ઘણાં કારણો હતાં : પહાડોની ટોચ પર ફૂંકાતા રહેતા પવનના વિનાશક-વેગીલા વાવાઝોડાઓથી તેમજ અવારનવાર સાગરની ભરતીની જેમ ચડી આવીને હિન્દુ મંદિરોનો ખાત્મો બોલાવતાં અનાર્ય-આક્રમણોથી બચાવીને મંદિરોને સુરક્ષિત રાખવા, આવી ધરતી પર જ પસંદગીનો કળશ ઢોળવામાં ડહાપણ હતું.
ધરતીનો ટુકડો તો એવો મનગમતો મળ્યો હતો કે, એના મૂલ્ય રૂપે અપાયેલું ૪ કરોડ, પ૩ લાખ, ૬૦ હજાર રૂપિયાનું સોનું દંડનાયકને સાવ નગણ્ય જણાતું હતું. આમ પૃથ્વીની પસંદગી તો થઈ ગઈ ! હવે પ્રાસાદની પસંદગીનું કપરું કાર્ય આરંભવાનું હતું. એમના મનમાં તો એવું ભવ્ય નિર્માણ રમતું હતું કે, જેનાં દર્શને દિલ અને દિમાગ ભગવદ્ ભક્તિની ભરતીથી તરબતર બની ઊઠે ! આ માટે દંડનાયક વિમલે એક દહાડો શિલ્પ-સંઘને એકઠો કરીને કહ્યું :
શિલ્પશાસ્ત્રના આધારે વિશાળ અને શિલ્પના વૈભવથી સભર મંદિરોનાં ચિત્રો તમે બધા ભેગા મળીને દોરો અને પછી મારી સમક્ષ એ ચિત્રો રજૂ કરો. એમાંથી પછી હું એક કલ્પના ચિત્ર પસંદ કરીશ, જેના આધારે આધારે તમારે એ ચિત્રને હૂબહૂ અહીં આરસમાં કંડારવા કટિબદ્ધ બનવાનું રહેશે.”
૭૦૦ ઉપર સ્થપતિ-શિલ્પીઓનો સંઘ વિમલના આમંત્રણને માન આપીને એકઠો થયો હતો. થોડા જ દિવસોમાં ભવ્યાતિભવ્ય મંદિરોનાં કલ્પના ચિત્રો દોરીને સૌ દંડનાયક પાસે આવ્યા. સૌએ શિલ્પ-સંઘના નાયક તરીકે સુત્રધાર શિલ્પદેવને આગળ કરીને કહ્યું કે, દંડનાયક વિમલ ! આપની આજ્ઞા મુજબ અમે સૌએ કલ્પના ચિત્રો દોર્યા છે, જેની રજૂઆત અમારા અગ્રણી આ સૂત્રધાર શિલ્પદેવ કરશે.
બધા શિલ્પીઓ સ્વસ્થાને ગોઠવાઈ ગયા, અને સૂત્રધાર શિલ્પદેવ ઊભો થયો, ખરેખર એનામાં નામ પ્રમાણે ગુણ હતા. એ શિલ્પનો દેવ જ હતો. શિલ્પશાસ્ત્રના ગહન વિષયો પણ એના મોઢે પોતાના
૨૫૦ આબુ તીર્થોદ્ધારક