________________
બ્રાહ્મણોએ કહ્યું ઃ દંડનાયક ! આપ એમ માનતા હશો કે, જેની આબાદી અત્યારે સર્વોચ્ચ કોટિ આંબી ગઈ છે, એ ચંદ્રાવતીમાંય જો ચાંદીની કિમતે જમીન વેચાય છે, તો અહીં આબુના જંગલની આ ભૂમિની કિંમત હોઈ હોઈને કેટલી હોઈ શકે? ચંદ્રાવતી કરતાં તો વધુ નહિ જ ને? જો આપની માન્યતા આવી હોય, તો અમને લાગે છે કે, આપ આ જમીન ખરીદવામાં સફળતા નહિ જ પામી શકો !
દંડનાયક વિમલ તો ગમે તે ભાવે ભૂમિ ખરીદવાનો દઢ સંકલ્પ કરીને જ આવ્યા હતા. એથી એમણે કહ્યું : ભૂદેવો ! હું આ ભૂમિના ભાવ-તાલ કરવા માંગતો નથી. તમે બોલો, એટલે હું નાણાંની કોથળી ખોલું
એક પૂજારીએ કહ્યું : દંડનાયક ! આ જમીન કંઈ એટલી સસ્તી નથી કે, નાણાંની કોથળીથી ખરીદી શકાય ? સોનાના સાટે સોદો કરવાનું સામર્થ્ય હોય, તો જ આગળ વાત કરીએ, નહિ તો આ વાત પર અહીંથી જ પડદો પાડી દઈએ !
દંડનાયક વિમલે વળતી જ પળે જવાબ વાળ્યો : આ રીતે પણ તમારું મન રાજીપો અનુભવતું હોય, તો આ શરત કબૂલ ! બોલો, હજી કોઈ વધારે માગણી છે ! તમે બધા રાજી થાવ, તો જ મારી બાજી અહીં બરાબર ગોઠવાય ! - સોનાનો એ સોદો ફોક થવાની હજીય એક પૂજારીને પૂરેપૂરી શ્રદ્ધા હતી. એણે રમતમાં કહ્યું : દંડનાયક ! આ ભૂમિ પર તમે જેટલા વિસ્તારમાં સોનામહોરો પાથરી શકો, એટલી ભૂમિની માલિકી તમારી
અને સોનામહોરો અમારી ! આ છેલ્લી શરત કબૂલ હોય, તો અમે રાજીથી આ સોદો કરવા તૈયાર છીએ !
દંડનાયક વિમલે પોતાની ઉદારતા અને નીતિમત્તાની જાણે છેલ્લી કક્ષા દર્શાવતાં કહ્યું : આ શરતમાં મારા તરફથી આટલો વધારો-સુધારો કરવા વિનંતી કે, ગોળ સોનામહોરો નહિ, પણ ચોરસ સોનામહોરો !
૨૪૨
આબુ તીર્થોદ્ધારક