________________
ધરતીમાંથી સંકેતાનુસાર અવતરિત એ જિનપ્રતિમા ખરેખર સાક્ષાત્ દેવાધિદેવના રૂપ-સ્વરૂપની ઝાંખી કરાવી જાય, એવી ભવ્ય હતી. પલાંઠીમાં અંકિત વૃષભના લાંછનથી એ શ્રી યુગાદિપ્રભુની પ્રતિમા જણાતી હતી. તેમજ કોરણી-સ્થાપત્ય આદિથી ગણનાતીત કાળ પૂર્વેનું એનું નિર્માણ અનુમાનિત થતું હતું. ભૂમિમાંથી એ પ્રતિમા નીકળી હતી, છતાં જાણે હમણાં જ ઘડાઈને તૈયાર થયાની પ્રતીતિ એ કરાવતી હતી. એના અંગેઅંગમાંથી સૌન્દર્ય અને લાવણ્યની ધારા વહી રહી હતી. આવી અદ્ભુત આ જિનમૂર્તિ દેવાધિષ્ઠિત હોવાની પ્રતીતિ તો વાતાવરણમાં વ્યાપેલી સુગંધ ક્યારથી કરાવી જ રહી હતી. દંડનાયક વિમલ આ મૂર્તિના દર્શને ધન્ય ધન્ય બની ગયા.
બ્રાહ્મણો માટે હવે તો બોલવાનો કોઈ અવકાશ જ નહોતો. એથી એમણે વિચાર્યું કે, આ જમીનને સુવર્ણના સાટે વેચવાની વાત મૂકીશું, તો આ વિમલનું પાણી મપાઈ જશે. આપણી આ શરત એ માન્ય કરી શકશે નહિ અને આપણી ધારણા પાર પડશે ! બ્રાહ્મણો વિચારમગ્ન હતા, ત્યાં જ દંડનાયક વિમલે પ્રશ્ન કર્યો :
બોલો, ભૂદેવો ! હવે તમારે જૈન તીર્થ તરીકે આબુની ભૂતકાલીન પ્રસિદ્ધિની સચ્ચાઈ અંગે કંઈ કહેવું છે !'
બ્રાહ્મણો તરફથી જવાબમાં કહેવાયું કે, દંડનાયક ! આબુ કોઈ કાળે જૈન તીર્થ તરીકે પ્રસિદ્ધ હશે, એમ આ પુરાવો કહે છે, એનો અપલાપ કોણ કરે? એથી આ પ્રશ્ન હવે વિચારવાનો રહેતો નથી. આમ છતાં આ જમીનની કિંમતનો પ્રશ્ન પણ કંઈ નાનોસૂનો નથી !
દંડનાયકે કહ્યું : આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે. અમારા શાસ્ત્રોમાં એવો સ્પષ્ટ નિર્દેશ છે કે, દેવમંદિર આદિ ધર્મધામોનું સર્જન જે ભૂમિ પર કરવું હોય, એના માલિકને પૂરેપૂરો સંતોષ આપવો જોઈએ. તો જ એ ધરતી પરનાં સર્જનો પોતાનો હેતુ સારી રીતે સિદ્ધ કરી શકે ! મંત્રીશ્વર વિમલ છ ૨૪૧