________________
શ્રેયાંસિ બહુવિઘ્નાનિ ! કલ્યાણકારી કાર્યોની કેડી કંટકોથી ભરપૂર હોઈ શકે છે, આ વાત પર દંડનાયકને જેમ શ્રદ્ધા હતી, એમ એ વિઘ્નોનાં વાદળો વિખેરી શકે, એવી દૈવી શક્તિ પર પણ એમને એટલો જ વિશ્વાસ હતો. એથી પ્રત્યક્ષ પુરાવાની એ વાતને સ્વીકારી લેતાં એમણે કહ્યું : અમારાં શાસ્ત્રોમાં જૈન તીર્થો તરીકે આબુના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, એથી પ્રત્યક્ષ પુરાવો મળવાની પૂરેપૂરી શક્યતા છે. આ અંગે હું તમને આજથી ચોથે દિવસે મળીશ. તમારા આટલા સહકારથી મને સંતોષ છે. અને મારો વિશ્વાસ વધ્યો છે !
દંડનાયક વિમલ હવે તો તીર્થોદ્વાર માટે કૃતનિશ્ચયી હતા. એથી આ કાર્ય અંગે જે કંઈ ભોગ આપવો જરૂરી હોય, એ ભોગ આપીનેય કાર્યસિદ્ધિ કરવા માટે કટિબદ્ધ બનેલા એઓ આરાસણા-કુંભારિયા જઈને શ્રી અંબિકાદેવીની સાધનામાં બેસી ગયા. પહાડ જેવા અણનમ સંકલ્પ સાથે એમણે પલાંઠી લગાવી. ત્રણ ઉપવાસ પૂરા થયા. દંડનાયકના અંતરમાં આરસ પર એટલે કે જિનમંદિર પર અવિહડ શ્રદ્ધા હતી, સાથે સાથે એ અંતરના એક ખૂણે વારસ અંગે એટલે પુત્રપ્રાપ્તિના ભાવિ અંગેય થોડીક જિજ્ઞાસા હતી. એથી આરસ-વારસના આ બંને પ્રશ્નો અંગે માર્ગદર્શન કરાવવા કાજે શ્રી અંબિકાદેવી ત્રીજા ઉપવાસની રાતે હાજરાહજૂર થયાં. એમણે કહ્યું :
‘વત્સ ! વિમલ ! જે કાર્યસિદ્ધિ અંગે તેં આ આરાધના આરંભી છે, એ કાર્યમાં તો તને યશસ્વી ફતેહ મળવાની જ છે. પણ મારા એક પ્રશ્નનો જવાબ તારે પ્રથમ આપવો પડશે ! વારસ કે આરસ : આ બેમાંથી તારે એકની પસંદગી કરવાની છે કારણ કે તારા ભાગ્યમાં આ બંનેનું પુણ્ય નથી. માટે તારે વારસનું ભાગ્ય ફલિત બનાવવું છે કે આરસનું સૌભાગ્ય !’
દંડનાયક વિમલના અંતરમાં ‘આરસ આરસ' નો પડઘો ઘૂમી રહ્યો. પોતાની ધર્મપત્ની શ્રીદેવીને પૂછવાજોગ આ પ્રશ્ન હોયા છતાં એમને શ્રદ્ધા હતી કે, ત્યાંથી પણ આવો જ પડઘો પડશે ! કારણ કે મંત્રીશ્વર વિમલ
૨૩૭