________________
વારસ પોતાના કુટુંબની કીર્તિ બે-ચાર પેઢી સુધી ગુંજતી રાખે કે નહિ એય શંકિત હતું ! જ્યારે આ “આરસ' તો વર્ષોનાં વર્ષો સુધી જૈનશાસનનો જયજયકાર જગવતા રહેવાની પ્રચંડ શક્તિના સ્રોત સમા હતા, આમાં જરાય શંકા રાખવા જેવું નહોતું ! એથી જરાય મૂંઝાયા વિના પ્રસન્ન વદને દંડનાયકે સવિનય જણાવ્યું કે,
માતાજી ! ધ્રુવને ધક્કો મારીને, અધુવને તો કોણ આવકારે ? વારસનું ભવિષ્ય અધુવ છે. પુત્ર મારું નામ રાખેય ખરો, ન પણ રાખે ! જ્યારે પ્રાસાદો તો મારા જિનશાસનનું નામ રાખવાનું કાર્ય વર્ષો સુધી કર્યા જ કરવાના છે. માટે વારસની વેદી પર હું આરસની આરાધના ઇચ્છું છું. આરસની આહુતિ આપીને વારસ મેળવાતો હોય, તો મારે એવા વારસની જરાય વાંચ્છા નથી !
દંડનાયક વિમલની આ પ્રભુભક્તિ પર પ્રસન્નતા વેરતાં શ્રી અંબિકાદેવીએ જણાવ્યું : વત્સ વિમલ ! તેં આરસને આરાધવાની પ્રભુભક્તિ વ્યક્ત કરીને એવો તો વારસ પસંદ કર્યો છે કે ન પૂછો વાત ! આરસનો આ સદ્ધર વારસ વર્ષોનાં વર્ષો સુધી તારાં પણ કીર્તિગાન ગાયા જ કરશે ! ગાનના એ ધ્વનિને વરેલી ગંજારવ ગુંજને સમય કે સ્થળની વિરાટતા પણ મંદ નહિ પડવા દે. ઉપરથી આ વિરાટતા એ ધ્વનિની દિગદિગંતમાં ફેલાવવાની શક્તિમાં વધારો કરવામાં કારણ બની જશે.
વિમલના મુખ પર નિર્મળતા નૃત્ય કરી રહી હતી. વારસના ભાગ્યને જાકારો દઈ દીધાનું કોઈ દુઃખ ત્યાં નહોતું, આરસના સૌભાગ્યને આવકારતો અનહદ આનંદ વિમલને નખ-શિખ ઘેરી વળ્યો હતો. અંબિકાદેવીએ મહત્ત્વના મુદ્દા અંગે માર્ગદર્શન કરાવતાં કહ્યું :
વત્સ ! ચોમેર વેરાયેલી-ઊભેલી ટેકરીઓ આબુના જે પ્રદેશનું કિલ્લો બનીને રક્ષણ કરી રહી છે, તે પ્રદેશમાં ચંપાનું ઝાડ હોય, એવી જગા શોધી કાઢજે. એમાં પણ જે ચંપાના ઝાડ નીચે કંકુનો સાથિયો
૨૩૮ આબુ તીર્થોદ્ધારક