________________
જૈનમંદિર હોય, એવો પુરાવો જો મળતો હોય અને એની પ્રત્યક્ષ પ્રતીતિ કરાવવા તમે સમર્થ હો, તો તમે માંગો એ જગા આપવા અમે તૈયાર છીએ. આવો પુરાવો જો મળી જાય, તો પછી અથડામણનો કે સંઘર્ષનો કોઈ સવાલ જ ઉપસ્થિત ન થાય ! આ જાતના કોઈ પુરાવા વિના અમે તમને જગા આપીએ અને કાલ ઊઠીને કોઈ તકરાર ઊભી થાય, તો લોકો અમને સંભળાવે કે, તમે નાહકનો આ ડખો કર્યો, સનાતન કાળથી આ આપણું તીર્થ હતું, પછી તમારે બીજાનો પગપેસારો થવા દેવાની જરૂર જ શી હતી ! લોકોને આવું બોલવાની તક ન મળે, એ માટે અમે કોઈ પુરાવાની જે અપેક્ષા રાખીએ છીએ, એ આપને પણ વાજબી જ લાગશે, એવો વિશ્વાસ છે !
બ્રાહ્મણોના આ હકારમાં નકારનો જે સ્પષ્ટ રણકાર નીકળતો હતો, એ દંડનાયક વિમલ બરાબર સમજી તો ગયા, પણ જ્યાં સુધી સમજાવટથી કામ પતતું હોય, ત્યાં સુધી ઉગ્ર ન બનવાનો એમનો નિર્ણય હતો. એથી એમણે જવાબમાં જણાવ્યું કે, તમારી વાત જેમ સાવ નકારી કઢાય એવી નથી, એમ સંપૂર્ણ રીતે સ્વીકારી લેવાય એવી પણ નથી. આમાં સંઘર્ષનો સવાલ જ ક્યાં છે ! પૈસા ચૂકવીને હું જગા ખરીદવા માંગું છું, તેમજ તમારા મંદિરોથી દૂર દૂર જૈનમંદિરનું નિર્માણ કરવાનો મારો નિરધાર છે. એથી સંઘર્ષ કે અથડામણનો તમે જે ભય જણાવો છો, એ એટલો વજૂદવાળો જણાતો નથી. બાકી આબુ જૈન તીર્થ તરીકે પણ જુગ જુગ જૂના કાળથી પ્રસિદ્ધ રહ્યાના ઉલ્લેખ અમારાં શાસ્ત્રોમાં જોઈએ એટલા મળી શકે છે. હજી આઠ-નવ દશકાઓ પૂર્વે જ અહીં જિનમંદિર હોવાની વાત અમારાં શાસ્ત્રોમાંથી કાઢી આપવાની મારી તૈયારી છે. તમે એને માન્ય રાખશો ખરા?
બ્રાહ્મણો તો પોતાની વાતમાં મક્કમ હતા. એમણે કહ્યું : તમારાં શાસ્ત્રોના એ ઉલ્લેખો માન્ય રાખવામાં વળી શો વાંધો હોઈ શકે? પણ એક શરત છે. એ ઉલ્લેખોની સચ્ચાઈ સ્વીકારી શકાય, એવી કોઈ પ્રત્યક્ષ પ્રતીતિ પણ અમને મળવી જોઈએ.
૨૩૬ ૬ આબુ તીર્થોદ્ધારક