________________
શ્રી ધર્મઘોષસૂરિજીએ ચંદ્રાવતમાં વર્ષાવાસ રોકાવાની વિનંતી સ્વીકારી અને સૌનાં ધર્મ-દિલ આનંદી ઊઠ્યાં. દિવસો વીતવા માંડ્યા, એમ ચંદ્રાવતીમાં ધર્મની મોસમ જામવા માંડી. એ જમાવટની આગળ વર્ષાઋતુની જમાવટ સાવ ફિક્કી જણાવા માંડી. દંડનાયકને માટે પણ આ ચાતુર્માસ ખરેખર જીવનનું એક સંભારણું બની રહે, એ રીતે આગળ વધી રહ્યું. ધર્મદેશનાના શ્રવણે એમનો માંહ્યલો જાગી ઊઠ્યો અને આંસુભીની આંખે તેમજ સંતાપભર્યા અંતરે તેઓ વિચારી રહ્યા :
“એક માત્ર મોક્ષની જ સાધના માટે મળેલા આ માનવ-જન્મની મહામૂલી કેટલી બધી પળો મેં સંસાર ખાતે વેડફી નાખી ! અને એમાંય રાજકાજના રસિયા બનેલા મેં ખાધા-પીધા વિનાના કેટલાય અનર્થદંડનાં પાપોનો પહાડ ખડક્યો ! ધર્મના પ્રભાવે જ મને આ જન્મમાં કીર્તિ-કંચન, સત્તા-સાહ્યબી ઇત્યાદિ મળ્યું, પણ આ જન્મમાં ધર્મની સેવાને ગૌણ બનાવીને રાજસેવા પાછળ મેં વર્ષો વિતાવ્યાં, મારા જેવો ધર્મદ્રોહી બીજો કોણ હશે? માનવભવનો મુદ્રાલેખ તો આંતર-શત્રુઓ સામેનો સંગ્રામ જ હોવો જોઈએ, એના બદલે બાહ્ય શત્રુઓ સામે સંગ્રામો ખેલીને ગુર્જરરાષ્ટ્રને સમૃદ્ધ બનાવતાં બનાવતાં હું વૃદ્ધ થવા આવ્યો ! આ સાચા મુદ્રાલેખ પર મેખ મારનારા મારે હવે તો ભગવાનના શાસન કાજે એક યુવાનની અદાથી ભેખ ધરવો જ પડશે. તો જ આ બધાં પાપોનું કંઈક પણ પ્રક્ષાલન થઈ શકશે. ભાવના અને પ્રભાવના : આ બે એવા ધર્મો છે, જે સ્વ-પર ઉપકારની ગંગોત્રી બની જાય ! એથી મારે ભાવના તરીકે મારા જીવનના આ ખંડેરના ઉદ્ધારકાર્યને મહત્ત્વ આપવા સાથે તીર્થોદ્ધારના કાર્યને પ્રભાવના તરીકે અગ્રિમતા આપવામાં હવે મોડું ન જ કરવું જોઈએ.”
દંડનાયક વિમલ શ્રી ધર્મઘોષસૂરિજીના સમાગમથી જેમ આબુ ઉપર અવતરણ પામતી કોઈ ધર્મસૃષ્ટિને આંતર-ચક્ષુથી અવારનવાર જોયા કરતા હતા, એમ પોતાના જીવનમાં અવતરતી ઉદ્ધારની
૨૩૪ ૬ આબુ તીર્થોદ્ધારક