________________
પુનરુદ્ધાર રૂપે એમની દેખરેખ નીચે અનેક સુધારા-વધારા થતાં ચંદ્રાવતીની મનોહરતામાં કોઈ ઓર જ વધારો થયો. આમ, જૂની નગરીને વિમલે જાણે નવા જ સાજ સજાવ્યા !
ચંદ્રાવતીની સાધર્મિક ભક્તિ ત્યારથી જનજીભે ગવાવા માંડી. દંડનાયકની પ્રેરણા પામીને, ત્યારે ચંદ્રાવતીના ૩૬૦ કરોડપતિઓએ નવા આવેલા સાધર્મિકને એકેક ઈંટ, નળિયું, થાળી અને રૂપિયાની પહેરામણી કરવાનો સ્વૈચ્છિક સંકલ્પ સ્વીકાર્યો, એથી નવો આવેલો સાધર્મિક એક જ દિવસમાં પગભર થઈ શકતો !
આ બધા સમાચાર પાટણમાં પહોંચે એ સહજ હતું. ભીમદેવને આજ સુધી વિશ્વાસ નહોતો કે, દંડનાયક વિમલ આ રીતે ચંદ્રાવતી પર ગુર્જરેશ્વરની સત્તાનો ધ્વજ લહેરતો મૂકે ! પણ જ્યારે ચંદ્રાવતીની ચડાઈને સાવ સહજ રીતે મળેલી સફળતાના એ બધા જ સમાચાર અક્ષરશઃ ભીમદેવને મળ્યા, ત્યારે એમના અંતરે આનંદ કરતાં એ વાતનો આઘાત વધુ અનુભવ્યો કે, હું એક વફાદાર વિભૂતિને ઓળખી ન શક્યો, કે જે આ રીતે અન્યત્ર પણ મારો મહિમા વધારે, એ મને હટાવીને મારી રાજગાદી પર ચડી બેસે, એ કઈ રીતે શક્ય બને ? આમ હવે રાજા ભીમદેવ અંતરમાં આઘાત અનુભવી રહ્યા. પણ હવે આવા પશ્ચાત્તાપનો શો અર્થ હતો, કારણ કે અબ પછતાયે હોત ક્યા, જબ ચીડિયાં ચુન ગઈ ખેત !
આબુને એક જૈનતીર્થ તરીકે જ્વલંતતા આપવાનું બધું જ કાર્ય ચંદ્રાવતીમાં રહીને કરવાનું હતું. એથી આ નગરીને આ દૃષ્ટિએ પણ જેટલી સમૃદ્ધ અને જેટલી સુરક્ષિત બનાવવી જરૂરી હતી, એથીય વધુ પ્રમાણમાં સમૃદ્ધ અને સુરક્ષિત બનાવવામાં દંડનાયક વિમલને ખૂબ જ ટૂંકા ગાળામાં સફળતા પ્રાપ્ત થઈ અને તાજ વિનાના એ રાજના સફળ અધિનાયક તરીકે દંડનાયક વિમલની કીર્તિ દશે દિશાઓમાં ગુંજિત બની ઊઠી.
મંત્રીશ્વર વિમલ
૨૨૯