________________
આ પ્રસ્થાન-યાત્રા આગળ વધી. પાટણના રાજમાર્ગો આંસુના છંટકાવથી ભીના ભીના થઈ ગયા. પાટણ આજે જાણે ગ્રીષ્મ અને વર્ષાના ઋતુ-સંગમ જેવી વિચિત્ર લાગણી અનુભવી રહ્યું હતું, દંડનાયકનો પાટણ-પરિત્યાગ સૌના અંતરમાં ગ્રીષ્મ જેવો તાપ પેદા કરતો હતો, તો સૌની આંખમાં એ પરિત્યાગ વર્ષા જેવી આંસુધાર પણ વહાવી રહ્યો હતો.
પાટણના પાદરને વટાવીને એ પ્રસ્થાન-યાત્રા ચંદ્રાવતીની દિશા તરફ આગળ વધી રહી, ત્યારે સૌને થયું કે, પાટણ શું ખાલીખમ થઈ જશે ! આ ભયના ભણકારા સાવ અસ્થાને ન હતા, કારણ કે શેઠશાહુકારો, શાહ સોદાગરો અને શ્રાવક-શ્રાવિકાઓનો એક મોટો સમુદાય પણ પાટણનો ત્યાગ કરીને ચંદ્રાવતી તરફ પ્રસ્થાન કરી રહ્યો હતો.
દંડનાયકની વિદાયથી પાટણમાં શોકનું જે સામ્રાજ્ય ફેલાયું, એ જોઈને ભીમદેવને એ જ સમજાતું નહોતું કે, આનંદ માનવો કે આંસુ સારવાં ! વિમલની વિદાયથી જાણે સૌ પોતાના હૈયાને હારવિહોણું, આંખને કીકીવિહોણું અને દેહને પ્રાણવિહોણું ગણીને જીવનને એક ભારની જેમ વેંઢારી રહ્યા. આમ, સમગ્ર પાટણ જ્યારે અકથ્ય વેદનાના ભાર નીચે કણસી રહ્યું હતું, ત્યારે દામોદર મહેતાની ટોળકી હસીહસીને તાળી પાડીને પોતાના મનની મુરાદોની સફળતા અંગે હર્ષ અભિવ્યક્ત કરી રહી હતી. વિમલને વિદાય અપાવીને એમણે શું મેળવ્યું હતું એનો કોઈ હિસાબ એમની પાસે નહોતો ! પણ આથી પાટણે જે ગુમાવ્યું હતું, એનું ગણિત માંડવું, એ તો આંકડા અને અક્ષરો માટે ગજા બહારની વાત હતી ! ટૂંકમાં વિમલની વિદાયથી પાટણે એક અમૂલ્ય ખજાનો ખોયો હતો, “અકથ્ય, અલેખ અને અકથ્ય' આ શબ્દ-ત્રિપુટીનું એ ખોટને લગાડાતું વિશેષણ પણ એ ખોટનો ખ્યાલ કરાવવા સમર્થ નહોતું !
૨૨૬
આબુ તીર્થોદ્ધારક