________________
દંડનાયક વિમલ ! અવંતિની એ વિજય-યાત્રાની પળોમાં ભોજના પક્ષે ઊભા રહીને લડત આપતા પરમાર ધંધૂકની વિદ્રોહી વૃત્તિ હજી હું ભૂલી શકતો નથી. જો તમે ચંદ્રાવતી પર ચડાઈ લઈ જાવ, તો માલવાના એ મેદાનમાં મેં કરેલી પ્રતિજ્ઞા પૂર્ણ થાય ! આ વિજય મેળવીને તમે ગુજરાતની સમૃદ્ધિમાં વધારો કરી આપો, તો એની સામે આ લેણાની ચુકવણીનું કોઈ જ મહત્ત્વ કે મૂલ્ય નથી !
આબુના તીર્થોદ્ધારના સ્વપ્નને સાકાર બનાવવા કાજે આ વાત વધાવી લેવા જેવી હતી. કારણ કે ચંદ્રાવતી આબુની તળેટીમાં વસેલી એક ભવ્યનગરી હતી અને પાટણના પાદરે પહોંચીને પ્રસ્થાનનું પગલું કઈ દિશામાં ઉઠાવવું આ પ્રશ્ન હજી ઊભો જ હતો ! એથી થોડીક જ પળોમાં બધો વિચાર કરી લઈને દંડનાયક વિમલે ભીમદેવના ચરણની રજ માથે ચડાવતાં કહ્યું : મહારાજ ! આપની આ આજ્ઞા મારા માટે શિરોધાર્ય છે ! જો થોડો વધુ અનુગ્રહ કરીને આપ મને ચંદ્રાવતીમાં જ રહેવાની અનુજ્ઞા આપો, તો આબુનો તીર્થોદ્ધાર કરવાનું મારું સ્વપ્ન પણ સફળ બની શકે ! ચંદ્રાવતી પર હવે આપની જ આણ સ્થાપિત થઈ ચૂકી, એમ જ સમજી લેવા વિનંતી !
ભીમદેવે દંડનાયક વિમલની એ વિનંતી સ્વીકારી લઈને, એમને ચંદ્રાવતીમાં રહેવાની અનુજ્ઞા આપી. બંને એકબીજાને ભેટીને છૂટા પડ્યા. દંડનાયક વિમલના દિલમાં તો ક્રોધની એવી કોઈ અમીટ રેખા અંકાયેલી હતી જ નહિ ! ભ્રમણામાં ભરાઈ બેઠેલા પેલા ભૂતની ભભૂતિની અસર જોકે હજી અકબંધ જ હતી, પણ ભીમદેવના એ ક્રોધને કંઈક કૂણો પાડવામાં આ વાર્તાલાપ અને આ આશ્લેષ અવશ્ય સફળ થયો.
ભીમદેવને ભેટીને દંડનાયક વિમલ બહાર આવ્યા, ત્યારે તો ત્યાં મોટો માનવ-મેળો જામી ગયો હતો. એ મેળાનો ઠીકઠીક મોટો ભાગ માત્ર વળાવવા જ નહિ, પણ દંડનાયકની સાથે જ પાટણનો પરિત્યાગ કરવાની પ્રવૃત્તિમાં સામેલ થવાના નિશ્ચય સાથે બધી તૈયારી કરીને આવ્યો હતો. મંત્રીશ્વર વિમલ ૨૦ ૨૨૫