________________
દ્વારા થોડીઘણી પણ સેવાનો લાભ મળી શક્યો, એ બદલ આપનો ઉપકાર જીવનભર નહિ ભુલાય, વેલાને ચડવાય વાડ જોઈએ છે, આપનો આધાર ન મળ્યો હોત તો આ સેવા શક્ય જ નહોતી !
આ શબ્દો જ એવા હતા કે, પથ્થરની કઠોરતાય માખણમાં પલટાઈ જાય. ભીમદેવની આંખમાંય ઝળઝળિયાં આવી ગયાં. એમણે કહ્યું : દંડનાયક ! પાટણને તમારી હજી ઘણી સેવાની જરૂર છે. આમ આ ક્યાંનું પ્રસ્થાન આદર્યું? - દંડનાયક વિમલે કહ્યું કે સેવા આપવા મંત્રી નેઢ અહીં રોકાવાના જ છે. છપ્પન ક્રોડ ટાંકનું લેણું ચૂકવવાની શક્તિ-ભક્તિ પ્રાપ્ત થશે અને ત્યારે પણ લેણાદેણી હશે, તો ફરી પાટણ અવાશે. છતાં મારા જોગી કોઈ પણ કામસેવા હોય, તો નિઃસંકોચ ફરમાવતા રહેવા વિનંતી ! આપની સાથેનો અને ગુજરાત સાથેનો મારો સંબંધ તો એવો ગાઢ છે કે, એને કોઈ હથિયાર કે હથોડા નહિ જ તોડી શકે ! પરંતુ આવો એકલો સંબંધ જ સેવાનું આ કર્તવ્ય અદા કરવા કાજે પૂરતો નથી હોતો, આમાં બીજી સહાય પણ અપેક્ષિત હોય છે. એ સહાયક તત્ત્વના સથવારા વિના સેવાનું કર્તવ્ય અદા કરવાનો પ્રયાસ કોઈના અંતરને આગથી લપેટવામાં જ નિમિત્ત બનતો હોય, તો અપરોક્ષ સેવાના માર્ગે પણ આપની કૃપાથી આગળ વધી શકીશ, એવો વિશ્વાસ છે ! માટે કોઈપણ સેવા-કાર્ય હોય, તો ફરમાવતા રહેવા વિનંતી.
ભીમદેવના અંતરમાંથી એવો અવાજ ઊઠતો હતો કે, આવી વફાદારીને વળી છેહ દેવાતો હશે? પાટણની પ્રતિષ્ઠા અને ગુજરાતનું ગૌરવ જો વધારવું હોય, તો આડા પડી જઈનેય વિમલને રોકી લો ! પણ એ જ અંતરના એક ખૂણે ભરાયેલું ભ્રમણાનું પેલું ભૂત રાડ પાડીને કહેતું હતું કે, આ પળે જો વિમલ રોકાઈ ગયો, તો તો પછી ખેલ ખલાસ-ખતમ થઈ જશે ! તો આવતી કાલનો રાજા એ જ હશે ! ભ્રમણાના આ ભૂતની પક્કડમાં ભીંસાયેલા ભીમદેવે છેલ્લા દિવસોમાં મનોમન લીધેલા એક વિચિત્ર નિર્ણયને વાચા આપતાં કહ્યું :
૨૨૪ ૬ આબુ તીર્થોદ્ધારક